પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
સમરાંગણ
 

 મારે માટે તો દીવાલ જ બસ થશે.”

એટલું બોલીને એ સામી દીવાલે ધસ્યો. તલવારની મૂઠ દીવાલ સાથે ટેકવીને એણે તલવારની પીંછી પોતાના પેટ પર વચ્ચોવચ લીધી.

“આહ ! આહ ! આહ !” એવી તાજુબીના ઉદ્દ્‌ગારો તમાશબીનોમાં ઊઠ્યા. એક જ પળ પૂરી થાત, ને તલવાર અકબરના પેટને પાર કરી ગઈ હોત. એક જ જુવાનને અકબરનાં જીવન-મૂલ્યની જાણ હતી. એક જ રાજપૂત. એ જિંદગીનો આવો અંજામ ન જોઈ શક્યો. એક જ નરના હૃદયમાં એટલી પ્રીતિ હતી. એણે દોટ દીધી. એણે પહોંચી જઈને જોરથી તલવાર પર મુક્કો લગાવ્યો. તલવાર અકબરના અંગૂઠા પર થોડો કાપ મૂકતી દૂર જઈ પડી. એ હતા યુવાન મહારાજા માનસિંહ. પાદશાહે કોપાયમાન બની માનસિંહને ભોંય પર પછાડી દીધો. એક સૈયદે દોડ્યા જઈ પાદશાહને મહારાજા માનસિંહથી લડતા છૂટા પાડ્યા.

તમાશાનો આવો અણધાર્યો અંજામ આવ્યો. પ્રેક્ષકો વિખરાઈ ગયા. અને વિસર્જન ન થતા બે મુગલો મુઝફ્ફર તરફ તિરસ્કારની નજર કરીને બોલી ઊઠ્યા: “ગુજરાત પર હકૂમત તો શાહ અકબર જ કરે; એ નામર્દ શું કરતો’તો, જેના હાથમાં બરછી પણ ધ્રુજે છે !”

“રંડીનો બેટો છે.” બીજાએ છૂપુંછૂપું કહ્યું.

તમામ આંખોમાં જાણે તિરસ્કાર ભર્યો હતો. કોઈએ કહ્યું : “હેઠ ગુજરાતી !” સાંભળીને મુઝફ્ફરે શરમ અનુભવી. બધાય ચાલ્યા ગયા પછી એ એકલો ઊભો હતો.

એક માણસનો પડછાયો એના પર પથરાયો. માણસે આવીને કુમાશથી એને ખભે હાથ મૂક્યો. પૂછ્યું, “તમે ગુજરાતી છો ?”

મુઝફ્ફરે એ સવાલમાં પણ હીણપત સાંભળી. એણે લજવાઈને માથું હલાવ્યું.

“યમુના તટે તમે ગાતા હતા ?”

“તમે કોણ છો ? સોરઠિયા છો, ખરું ?” મુઝફ્ફરે પેલા બરછી પકડી રાખનાર યુવાનને ઓળખ્યો. યુવાને નરમાશથી પૂછ્યું : “મેં તમને