પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
સમરાંગણ
 

“રઝળતો.”

“તોપણ, કોઈક ગામ હશે ને ?”

“જામનગર – નાગની.”

“સતા જામનું જામનગર ?”

“એ જ.”

"મારા તો એ દોસ્ત છે, રાજપૂત વીર છે. સૌરાષ્ટ્રના રાજપૂતો જબરા ઈમાનદાર હોય છે એમ મેં ચારણોની વાતોમાં સાંભળ્યું છે.”

નાગડો કશું બોલ્યો નહિ.

વધુ વાર્તાલાપ ચાલી ન શક્યો. દૂર બેઠેલા ચાર આદમી પાસે આવ્યા. તેમણે નહનૂને કંઈક કહ્યું. નહનૂ નાગડાને સલામ પણ કર્યા વગર એ ચારેયની સાથે ચાલી નીકળ્યો.

કોણ હશે ? નાગડાએ વિચાર કર્યો. કોઈ રાજકેદી હશે ?


15
જનની જન્મભૂમિ

દુનિયાની મહાન કૂચોનો ઇતિહાસ લખાશે તે દિવસ સુવર્ણાક્ષરોમાં અંકિત થનારી સવારી અકબરશાહની હશે. ગુજરાતને લોહીનું એક પણ બિન્દુ છાંટ્યા વગર આણમાં લેનારો અકબર, ફરી પાછું ગુજરાતના મીરજા અમીરોએ બંડો સળગાવ્યાનું સાંભળીને પોતાના ‘નૂરેબેઝા’ (ધવલ પ્રકાશ) અશ્વ પર પલાણ્યો. એકલો નહિ, સૈન્યના રસાલા સાથે ઊપડ્યો. રવિવારનો એ દિવસ હતો. આગ્રાથી અમદાવાદનો પાંચસો ગાઉનો પંથ, બરાબર નવ દિવસમાં કાપી નાખ્યો. સોમવારની સંધ્યાએ એણે શત્રુઓને ચકિત કર્યા. ઝાડી અને જંગલો, બે કાંઠે વહેતી નદીઓ અને ઠેરઠેર છુપાયેલ બંડખોર સૈન્યોની વરસતી તીર-ધારા એને ન રૂંધી શકી. કડી,