પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનની જન્મભૂમિ
97
 

 વડોદરા, ભરૂચ, સર્વત્ર એ વંટોળરૂપે ઘૂમી વળ્યો, એના ડાબા-જમણા બાહુરૂપ હતા રાજા માનસિંહ અને રાજા ટોડરમલ. સ્વાર્થાંધોને સાફ કરવામાં એણે દયા ન જાણી. પશ્ચાત્તાપમાં પ્રમાણિક જણાયા તેમને એણે દિલાવરીથી જીત્યા. ચંગીઝખાંની માએ આવીને પોતાના બેટાનો દગલબાજીથી જાન લેનારા સીદી અલફખાન સામે ફરિયાદ કરી. અપરાધી પુરવાર થનાર એ હત્યારાને અકબરે હાથીના પગ હેઠળ છૂંદાવ્યો. રાજા ટોડરમલને એણે ગુજરાતના અંધાધૂંધીભર્યા વસૂલાત-વહીવટને સ્થાને અદલ ન્યાયનિષ્ઠ જમાબંદી માટે રોકી દીધા.

એ શાંતિ-સ્થાપનાની અકબર-સવારીને સ્વાર્થી મુસ્લિમોએ ‘કેહેર બ ગુજરાત આમદ’ નામે ઓળખાવી. ઠેરઠેર નિંદા પહોંચી કે '‘ગુજરાતમાં કેર આવ્યો’. અકબર ન આવ્યો પણ કાળો કેર આવ્યો. આગ્રામાં પણ નહનૂને કાને શબ્દો પડ્યા : ‘ગુજરાતમાં પાદશાહી કેર’ આવતો હતો. હવે એ કેર સૌરાષ્ટ્ર પર ઊતરવાનો છે એવી અફવાઓ ચાલી.

નહનૂ મુઝફ્ફરે ફરી એક વાર યમુના-તટ તરફ પગલાં માંડ્યાં. બે વર્ષની રાજકેદ તો ચાલી ગઈ હતી. દેખરેખ ઢીલી થઈ હતી. ખુદ પાદશાહે જ મુઝફ્ફરના યૌવનનું ઘડતર કરવાના અભિલાષ રાખ્યા હતા. અવરજવરની છૂટ વધી હતી. મુઝફ્ફર કોઈ કોઈ વાર એકાકી પણ યમુનાતીરે જઈ બેસતો. અનુચરો ઉદાર, શિથિલ અને વિશ્વાસુ બન્યા હતા. નાગડાને એ વારંવાર મળતો ને બંસી બજાવી સૂરો સંભળાવતો.

ફરી એક વાર એની ને નાગડાની ભેટ થઈ.

નાગડો બેઠોબેઠો પોતાની મૂછો પર હાથ ફેરવતો હતો. એનાં આંગળાંમાં વાળની ઝીણી શેડ્ય રમતી હતી. યમુનાનાં તીર જાણે એને સાંકડાં પડતાં હતાં, ઊઠીઊઠીને એ આંટા મારતો હતો. પોતાની ભુજાઓ લાંબી કરી કરીને તપાસતો હતો. પોતાની છાતી એ ફુલાવતો અને સંકોડતો હતો. એ મુઝફ્ફરની જ રાહ જોતો હતો. “મુસ્લિમ ભાઈબંધ !” એણે મુઝફ્ફરની સામે હાથ જોડ્યા. “છેલ્લી મુલાકાત કરવા આવ્યો છું.”