પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
સમરાંગણ
 

 “કેમ?”

“આવતીકાલે હું સ્વદેશ જાઉં છું. મારી મૂછડીએ વળ ઘાલી લીધા. ગુરુજીએ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા પર નીકળવાનો જમાતને હુકમ કર્યો છે. તેમની સાથે કાલે હું માતાના દ્વાર તરફ પ્રયાણ કરી જઈશ.”

“તમારી અમ્મા તમને ઓળખી શકશે ? આટલાં બધાં વર્ષે એ તમારા મોંને પારખશે ?”

“પણ હું એને કહીશ ને કે, માતા, હું તમારો પુત્ર છું. હું ઘેલોનાદાન પાછો ડાહ્યો થઈને તમારે ખોળે આવું છું.”

“એ જીવે છે ?”

“જીવતી જ હશે ને ! મારી વાટ જોતી જોતી એ ન જીવે તો બીજું શું કરે ?”

“નહિ હોય તો ?”

“તો ? – તો ? – તો ? – મને ગુરુદેવે કહ્યું છે કે जननी जन्मभूमि स्वर्गादपि गरियसी । – મા અને જન્મભૂમિ, બેઉ સ્વર્ગથી યે મહાન. મારી જન્મભૂમિ તો મને ખોળે લેશે ને ? એને કહીશ કે માતા, હું ઘેલો પુત્ર પાછો આવ્યો છું.”

“ઘેલા પુત્રને જન્મભૂમિ પણ સ્વીકારતી હશે ?”

“તમે કેમ આવા પ્રશ્નો પૂછો છો ?”

“જેને જનની ન હોય તેની જન્મભૂમિ જનની થતી હશે ? તેને ગોદમાં લેતી હશે ? એકાદ નદી-કિનારો કાઢી દેતી હશે ? દસ-બાર જુવાન જોદ્ધઓ મેળવી દેતી હશે ? પહાડો ઘૂમવા દેતી હશે ? દુશ્મનો સાથે ભેંટભેટા કરવા દેતી હશે ?”

“આમ કેમ પૂછો છો ? કોઈ યાદ આવે છે ?”

“યાદ આવનારી અમ્મા તો મારે નથી.”

“તમારે માતા નથી ? મરી ગયાં છે ?”

“મને ખબર નથી.”

“માતા યાદ તો આવે છે ને ?”