પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનની જન્મભૂમિ
99
 

 “દીઠી નથી. મોં નથી મળતું પણ માતાને કલ્પી છે મેં. એક ચીસરૂપે, વેદનાની રુદનધારરૂપે. અનંત યાતનારૂપે.”

“તમે આવોને મારે વતન ! ત્યાં મારી માતાને હું યાચના કરીશ કે આ બંધુને પણ બેટો બનાવો, પ્યાર કરો. ને મા એટલી બધી પ્રેમાળ છે ને, કે જરૂર જરૂર તમારા પર વહાલ બતાવશે. ચાલો તમે, મારી માનું હૃદય આપણે બંને સમાઈએ તેટલું બધું પહોળું છે.”

એટલું કહીને એણે ધરતી ફરતા વિશાળ સીમાડા પર હાથ ફેરવ્યો. જાણે માના હૈયાનો વિસ્તાર દેખાડવાનું એ એક જ શક્ય માપ હતું. પછી એણે મુઝફ્ફરના ખભા પર મૈત્રી-ઝરતો હાથ મૂક્યો. એનો પંજો મુઝફ્ફરના અરધા બરડા પર પથરાઈ રહ્યો.

“મોટામાં મોટું દુઃખ શું હશે, દોસ્ત ?” મુઝફ્ફરે નાગડાને પૂછ્યું.

“ગુરુદેવે તો કહ્યું છે કે મોટામાં મોટું દુઃખ નામર્દાઈ છે.”

“નહિ ભાઈ, એથીયે મોટું દુઃખ તો નામર્દ તરીકેનું મહેણું છે – ગાળ છે. કારણ ? કારણ કે એમાં આપણું એકનું જ અપમાન નહિ પણ આપણને જન્મ દેનાર માતાને પણ લ્યાનત સૂચિત છે.”

“એવી ગાળ ખાઈને બેસનાર વધુ ને વધુ નામર્દ બને છે.” નાગડાએ જાણે કે પ્રસ્તાપી કોઈ ચર્ચા ચાલતી હોય તેવી અદાથી વાત આગળ ચલાવી. એને ખબર નહોતી કે આ વાક્ય મુઝફ્ફરના અંતર પર જખ્મરૂપ થઈ પડ્યું છે.

“એવી ગાળને ધોઈ નાખવા ખાતર માણસે પોતાની જાન પણ કાઢી દેવી જોઈએ એ તો ખરું, પણ બીજા હજારોની જાન હોમાઈ જતી હોય તો હોમી નાખવી જોઈએ કે નહિ ? ગુલશનોનાં વેરાન કરી નાખવા જોઈએ કે નહિ ? દયા, માયા, મમતા, તમામ પ્રકારની કુમાશને સળગાવી દેવી જોઈએ કે નહિ !”

મુઝફ્ફર એમ ને એમ આગળ વધતો હતો. એણે નાગડાના જવાબની રાહ જ ન જોઈ. એ જાણે પોતાની જાત જોડે જ વાર્તાલાપ કરી રહ્યો.