પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
100
સમરાંગણ
 

શંખનાદ થયો. નાગડો સફાળો જ ઊઠ્યો. એણે મુઝફરની સામે હાથ જોડ્યા

“મેરે મિત્ર ! અબ મેરે જાનાં હોગા. સોરઠમાં આવજો, મા તમને બેટા કરી બોલાવશે. એ મારા જેવડા તમામને બેટા કહે છે. આવજો સોરઠમાં – નાગની ગામ, સતો જામ રાજા, ને – ને મારો પિતા... એનું નામ તો ગુરુદેવ બતાવી શક્યા નથી. એનું નામ ન દેજો, એને વાત ન કહેજો, પરબારા મા પાસે જ આવજો. આવજો હોં જરૂર ! નમસ્કાર, મિત્ર !”

એમ કહીને એ દોટ મારીને જોગીઓની જમાતના પડાવ તરફ ચાલ્યો ગયો, અને મુઝફ્ફર પોતાના ભેજામાં એક જ ધૂન લઈને પથારી તરફ વળ્યો : ‘ગુજરાતમાં પાદશાહી કેર’ : ‘કેર બ ગુજરાત આમદ’ એ ધૂને એના કલેજામાં એક ઝેરી કીડો મૂક્યો. અને એના મગજમાં એક બીજો મોહક સૂર મદિરાનો કેફ ભરવા લાગ્યો : “સોરઠના રાજપૂતો-કાઠીઓ ઈમાનદાર છે. ચારણની વાર્તાઓમાંથી મેં એ સાંભળ્યું છે, સોરઠમાં જઈ પહોંચું.”



16
વિજયી મસ્તક

ત્ની સાથેની છેલ્લી સોહાગ-રાત પછી લગભગ ત્રણ મહિને જેસા વજીર જૂનાગઢ તરફથી પાછા ફરતા હતા. એની પછવાડે ચાર હજાર નવાનગરી સવારોનું સૈન્ય ચકચૂર ચાલતું હતું. સૈન્યની સાથે તોપો, બંદૂકો, નિશાનો, ડંકા, તંબૂઓ ને શમિયાના, ટોપ અને બખ્તરો – અઢળક અસબાબ હતો. ગયા ત્યારે નહોતા લઈ ગયા એવી એ બધી રિયાસત હતી. એ ચીજોનો દેખાવ મુગલાઈ હતો. સાથે એક લડાયક હાથી પણ હતો.