પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયી મસ્તક
105
 

 એની ઘરવાળી રફુચક્કર થઈ જાય !”

“હં.. અં, બાપુ !” પાંચમી કહેતી : “લાગ આવે ત્યારે તો પછી એની કાખ-ઘોડીએ જ લમઠોરી નાખે ને ! એને તો આઠેય પહોર હાજર હથિયાર. એવાને કોણ પરણે ?”

“પણ પોરહ કેવો રિયે ? જીવીએ ત્યાં લગી નામના તો ગવાય ને, કે જો, આનો ધણી દલ્લીના પાદશાની ફોજને જીતી આવ્યો’તો !”

“ને એવા જોદ્ધારની તો બે લાકડીઉં ય ખાવી મીઠી લાગે, હોં બોન !”

“મારો ભાઈ મોટો થાશે એટલે એને ય વજીરબાપુ પાસે મેલી આવશું એમ મારાં માબાપ વાતો કરતાં’તાં. આવી એકાદ શૂરવીરાઈ કરી આવે એટલે કન્યા જડતાં કાંઈ વાર લાગે ?”

“અરેરે, બોન ! મારે તો નાનો કે મોટો એકે ય ભાઈ જ ન મળે. ને ! કોને મોકલીયેં ?”

“હેં એલી, આપણને છોકરીઉંને ફોજમાં દાખલ ન કરે !”

“આપણે ફોજમાં શું કરી શકીયેં ?”

“અરે, સાંબેલે સાંબેલે મુંગલાને મારીયે. નીકર પાણીનાં માટલાં માથે લઈને આપણા મરતા જણને મોંએ પાણી તો ટોઇયેં ને !”

“હવે જુદ્ધ થાય તો આપણે માટલાં ભરીભરીને રણથળમાં જઈ પોગવું.”

“હા, કરો વ્રત.”

“કબૂલ છે. વ્રત લઈએ.”

નાતી-ધોતી ને પાણી ભરતી ગ્રામ-કન્યાઓ ગામ-પાદરના શિવાલયમાં જઈને આગામી યુદ્ધમાં પાણી પહોંચાડવાની પ્રતિજ્ઞાઓ લેવા લાગી. માતાઓ બાળકોને પીઠ થાબડી મોટાં કરવા લાગી. વાંઝિયાં માવતરો જેસા વજીરના જુવાન જોદ્ધાઓને જોયા પછી પોતાના સંસારમાં વિશેષ શૂન્યતા અનુભવી રહ્યાં. ગામેગામની સમૂહ-દૃષ્ટિ નવાનગરની દિશામાં દોડવા લાગી. નવાનગર સોરઠી શૌર્ય-તમન્નાનું મધ્યબિંદુ બન્યું.