પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયી મસ્તક
109
 

 કમરબંધ છોડતો, માથાની પાઘ ઉતારીને જે નોકર બાજુએ ઊભો હોય તેના હાથમાં સોંપતો ઉપર પહોંચ્યો ત્યારે એના કલેવરે યોદ્ધાવેશનું તમામ અક્કડપણું ખંખેરી નાખ્યું. શરીર કોઈકનો આધાર શોધતું જણાયું. માંડમાંડ ટગુમગુ પગ ટેકવીને પગલાં ભરતું બાળક જેમ પડુંપડું થઈ ‘મા ! મા ! મા !’ કરતું પોતાના ટેકવણહારને બોલાવતું હોય, તેમ ‘કાં ! કાં ! કાં ! ક્યાં છો ? ક્યાં ગયા ?’ એવા પ્રશ્નો પૂછતા વૃદ્ધ દાદર પરથી ઓસરીમાં, ઓસરીમાંથી ઓરડામાં, એકમાંથી બીજા ઓરડામાં, ગોખે, ઝરૂખે, શયનની ઓરડીએ ઘૂમાલૂમ કરી મૂકી. ‘ક્યાં છો ? ક્યાં છો ! ક્યાં સંતાઈ બેઠાં છો ?’ શબ્દોએ વેગ પકડ્યા. પગ શબ્દોની પાછળપાછળ દોડ્યા. શરીરે થાક લાગ્યો. ઢોલિયા પર લથડિયું ખાધું.

મારા આજના વિજયોત્સવને જોવા એ દરબારગઢની મેડીએ તો નહિ ગયાં હોય ? છાનામાનાં ક્યાંઈક માણસોની ભીડાભીડમાં ભળી જઈને તો નહિ ઊભાં હોય ? રસોડે થાળી તૈયાર કરતાં હશે ?

“એલી છોકરી ! ક્યાં મરી ગયાં બધાં ? કેમ કોઈ બોલતું નથી ? મશ્કરી કરી રહ્યાં છો ?” એણે બૂમો પાડવા માંડી. પણ એની પાસે હાજર થઈને જવાબ આપવાની હિંમત એ ઘરનાં ચાર-પાંચ માણસોમાંથી એકેયની ન ચાલી. પ્રત્યેક પોતપોતાનાં સ્થાને ચુપચાપ સ્તબ્ધ હતું. દિવેલ તેલના દીવા કાકીડાઓ જેવા પોતાનાં માથાં ધુણાવ્યા કરતા હતા.

રિસાઈને બેઠી હશે બુઢ્‌ઢી ? ભલે બેઠી. નહીં જાઉં મનાવવા. આજે શું રિસામણું યાદ આવ્યું ? આજે શું સત્તર વર્ષની દાઝતી પોટલી ઉખેળીને બેઠી ? આજે શું એ કોઠીભર્યા પ્રારબ્ધ-કણો વીણવા કાઢ્યાં ?

રોષ કરીને બુઢ્‌ઢાએ ગાદલા પર પડતું મૂક્યું. પોતાનાં લમણાં પોતે જ ચાંપવા લાગ્યો. થાકેલી આંખોમાં એક ઝોલું આવી ગયું. ઝોલામાં ને ઝોલામાં જાણે ઠપકો સાંભળતો ગયો : આવું છું, આવું છું, આવું છું, ત્યાં જ અધીરા બની બેઠા ! આ ઉંમરે બહાવરાઈ અરઘે ? મને શી ખબર કે ગામતરેથી વળતાંવેંત જ ઘેર આવવાની અધીરાઈ તમને સત્તર વર્ષે આજ વ્યાપી હશે ! મેં તો માનેલું કે દરબાર જોડે જમી-કરીને, રાતી