પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણપ્રીછ્યું મિલન
115
 

 મીઠાશથી બોલી ઊઠ્યો.

“ચોરી કરવા આવ્યો’તો ને હવે મા મા કરછ કે, દીકરા !”

“ચોર ના થા, માતાજી ના દર્શન : મેરી માતાનાં પરસન : તમારી પાસ કાંઈ – કાંઈ – કુછ – ચોરવા નથી. મા કહાં છે ?” હિંદી ગુજરાતીનું ભરડકું કરતો જુવાન બોલ્યો.

“જોગટાઓ ! બેટા જોગટાઓએ જ રોજ રોજ એનું માથું ભમાવી નાખ્યું. કોણ જાણે ક્યાં એને કાઢી ગયા ! તું જેવા જ લંગોટા રોજ લાગી રિયા’તા. મારું ઘર ભંગાવી ગયા.” દાઝમાં ને દાઝમાં બુઢ્‌ઢાએ ધીરાધીરા શબ્દો, ચીપિયા વતી એકએક અંગારો લઈને ચાંપતો હોય તેમ ચાંપ્યા. સામે ઊભેલો જુવાન ખભે શિર ઢાળી ગયો હતો. એની માળા બુઢ્‌ઢાના હાથમાં જકડાયેલી હતી. માળાને જરીકે ઝોંટ લાગે તો પોતાનો પ્રાણ નીકળી પડે એવી બીકે જુવાન હલતો કે ચલતો નહોતો.

“બેસ આંહીં.” બુઢ્‌ઢાએ જરીક માળા ખેંચી ત્યાં તો જુવાન ઢોલિયા પર બેઠો.

“કોણ છો તું ?”

“તુમકો નથી કહેવા. માકો કહેવા થા.” જુવાનના અક્કડ શબ્દમાં પણ કાંટાળા કેવડાની અંદરથી ઊપડતી હોય છે તેવી કુમાશભરી ખુશબો હતી.

“દિવસે સીધાં લઈ જવાં, રાતે ખાતર પાડવાં, ને પકડાઈ જાવ ત્યારે ‘મા ! મા ! મા !’ કરીને દીકરા બની જવું : ગજબ છે તમારી વાત !” બોલતો બોલતો બુઢ્‌ઢો રુદ્રાક્ષની માળાનો પ્રત્યેક પારો તપાસતો હતો. વળી વચ્ચે “કેમ, જવાબ કેમ નથી દેતો ?” એમ કહી માળાને થોડી સતાણ કરતો હતો. માળા ખેંચાતાંની વારે જ ‘દયા કરો’ ‘દયા કરો’ ‘મત ખેંચો’ એવી કાકલૂદી કરતો એ જુવાન બુઢ્‌ઢાના અપશબ્દોથી સળગી ઊઠેલી આંખોના દેવતા ઓલવી નાખતો હતો. બુઢ્‌ઢાને હવે કશી ચિંતા રહી નહોતી. ઢુંઢા રાક્ષસને મારનારના હાથમાં જેમ પોપટ આવી જાય તેમ આ ચોટ્ટા બાવાની જીવાદોરી, માળા પોતાના હાથમાં આવી