પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
સમરાંગણ
 


ગઈ હતી.

“મારા દીકરાએ વળી માળાની વચ્ચે માદળિયું ય ઘાલ્યું છે ને શું ? કયા છોકરાની ડોકી મરડીને આ સોનાનું માદળિયું કાઢી લીધું’તું, હેં એલા સદાવ્રતિયા ? કહે તો ખરો !”

એમ પૂછતો ડોસો માદળિયાને થોડીક વાર હાથમાં ફેરવીફેરવીને પાછો આગલા પારા ઉપર આંગળીઓ લઈ ગયો. માદળિયું આંગળીઓને મળીને પાછળ નીકળી ગયું.

છેક ગરદન પર જઈને માળાના છેડાને અડક્યા પછી બુઢ્‌ઢાનો પંજો આપોઆપ એ જુવાનના બરડા પર સર્યો. ખભા નીચેના બેઉ ગઠ્ઠાદાર ટેકરા ગેંડાની કૂબાળી ઢાલો જેવડા પહોળા ને લોખંડી લાગ્યા. ઉઘાડો બરડો લીસો લપટ અને ઘણ વડે ઘડેલો ઘાટદાર લાગ્યો. લશ્કરમાં ભરતી થવા આવનારા સેંકડો જુવાનોનાં ખુલ્લાં ગાત્રો તપાસવાની વર્ષો સુધીની તાલીમે વૃદ્ધ વજીરનાં આંગળાંમાં બારીક પરખશક્તિ પેદા કરી હતી. તાકાતદાર અને સુઘાટીલો દેહ દેખીને ડોસો પ્રાચીન પાટણના કોઈ શિલ્પી સલાટના જેવી મસ્તી અનુભવતો.

“પીઠ તો દીઠી, હવે જોઉં તારી છાતી !” એમ બોલીને પહેલાં પ્રથમ છાતી પર હાથ ફેરવીને મુક્કા-ઘુસ્તા મારવા લાગી પડ્યો. મુક્કા મારતે મારતે એનો આનંદ, વર્ષોના મોરલા સરીખો ગહેકી ઊઠ્યો : સદાવ્રતોના દાળિયા ય તને ઠીક સદી ગયા લાગે છે, દીકરા મારા ! માગીમાગીને ખાવા કરતાં મારી ફોજમાં ભરતી થઈ જા ને ! ભૂમિને ભાર કરી રહ્યો છે તે કરતાં કોક ધીંગાણામાં લેખે લાગી જઈશ. મા, મા, મા, કરીને ભોળી ઓરતો પાસેથી આમ માલપૂડા ક્યાં સુધી ખાધા કરવા છે ? હેં ? જવાબ કેમ દેતો નથી ?

“આ છાતી તો જો તારી ! આ તે છાતી છે કે એરણ ? સોરઠિયા જુવાનોમાં કોઈને આવી છાતી મેં તો જોઈ નથી. આખી રાત બેઠોબેઠો આ છાતી ને આ બરડા ફરતો હાથ ફેરવતો રહું તો મહિના સુધી ઊંઘવાનું મન ન થાય, હોં સદાવ્રતિયા !”