પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણપ્રીછ્યું મિલન
117
 

 બોલતો બોલતો બુઢ્‌ઢો લગભગ હર્ષઘેલડો બની રહ્યો. એ જુવાનના શરીરની હર એક પેશીની પોતે કાયમી ઓળખાણ કરી લેતો હતો. સમજાવતો હતો કે “મૂરખા, આવી ભુજાઓ ઉપર તો હું મારી જુવાનીને ઘોળી કરી દઉં. આવા પંજામાં તુંબડાં પકડાય કે તલવાર ? રોજ પાંચસો-પાંચસો દંડબેઠક કરતો હો તો આ તારા પગની અક્કેક પાટુએ હાથીઓ ય ગડથોલું ખાઈ જાય, નાદાન ! ભોળી બાયડીઉં ભગવાન ભગવાન કરીને પગે લાગે, વાંઝણિયું છોરુની માગણીઉં કરે, કરમહીણીકું ધણીને વશ કરાવવા માટે કાકલૂદી કરે, એમાં મલકાતો શું ફરછ ?”

જુવાન કશો જ જવાબ દીધા વિના, પોતાની માળાનો ઉચાટ કરતો મૂંગોમૂંગો બેસી રહ્યો. એને આ બુઢ્‌ઢાની બોલીમાંથી બરછીઓ વરસતી હતી, અને બુઢ્‌ઢાના હાથના આખેયે શરીરે ફરી વળતા ફરસા સ્પર્શ હેઠળ એના દેહની પ્રત્યેક પાંદડી ફરકફરક થતી હતી. પોતાને ચોર ગણીને પછી પાછા આમ મોહી પડનાર પુરુષનું આ આચરણ એને વિચિત્ર લાગ્યું. બુઢ્‌ઢો મારા બેડોળ ચહેરાની કે મારા માની લીધેલા ચોટ્ટાપણાની વાત વીસરી બેસીને મારા શરીર સાથે આ શા ગેલ કરવા બેઠો છે ? તાકાત અને મર્દાઈનો પૂજક આ મારો વજીર પિતા જ લાગે છે. એકાકી લાગે છે. એની આગલી કરડાઈ ક્યાં ગઈ ? એ ગરીબડો કેમ લાગે છે ?

મા ઘરમાં નહિ હોય ? મા બહારગામ ગઈ હશે ? મા જીવતી તો હશે ને ? માને સૂતી ઝબકાવવી હતી. અણધાર્યા આવીને ચકિત કરવી હતી. જોગીઓની જમાતને સુદામાપુરીને માર્ગે વળાવીને બે ગાઉ પરથી પોતે પાછો વળ્યો હતો. દિવસે આવીને બાર વર્ષ પૂર્વેની યાદદાસ્તને ટેકેટેકે મકાન ગોતી લીધું હતું. ઊંચી મેડીએ ચડવાનો માર્ગ મનમાં ગોઠવી રાખ્યો હતો. પછી રાતે વજીર સૂતા હતા તે વખતે જ ઉપર ચડી ગયો હતો. એણે પણ માને પોતાના પિતાની માફક, આખું ઘર ઘૂમીને ગોતી હતી.