પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
સમરાંગણ
 


માને શું બાપુએ કાઢી મૂકી હશે ? એની દાઢી ઝાલીને ઝંઝેડું, ને પૂછી જોઉં કે ‘મારી માને ક્યાં ગાયેબ કરી છે ?’ પણ માળા એ ડોસાના હાથમાં હતી. માળા તૂટે તો મરવું પડે એમ ગુરુદેવે ગાંઠ વળાવી છે. હવે તો બુઢ્‌ઢાના હાથમાંથી છૂટી જવાની જ રાહ જોવી રહે છે. મા આ ઘરમાં નથી એ નક્કી વાત છે. આ ઓરડાની ભીંતો માવિહોણી દશા દાખવતી ઊભી છે. પિતા પોતે જ માવિહોણી દશાનું ખંડેર લાગે છે. પિતાનો પુત્ર બનીને આંહીં રહી એનો બુઢાપો પાળું ? નહિ નહિ, માને દુભવનાર પિતા એવી સેવાનું તીર્થ કેમ બની શકે ? સાચા સ્વરૂપે પ્રકટ થયે પિતા જ મને શાનો સંઘરશે ?

એવા વિચારગ્રસ્ત બાળકે આખરે પોતાના લલાટ પર પિતાના જરાગ્રસ્ત હાથનો સ્પર્શ અનુભવ્યો. વૃદ્ધનો હાથ એના લલાટ પર થઈને માથા પર ગયો. આખેય માથે ઘૂમતી એ આંગળીઓ એક બેનમૂન ખોપરીનો ઘાટ તપાસતી હતી. ખોપરીનો આકાર તપાસીને બુઢ્‌ઢાએ કહ્યું : “અક્કલની ઓછપ તો આ ખોપરી જ બતાવી આપે છે. માથું સાવઝનું, પણ બુદ્ધિ રોઝડાની ! નીકર કાંઈ મા, મા, મા બોલતો બોલતો ચોર ચોરી કરે ? ચોરવિદ્યા ચડી નથી તેનું કારણ જ આ માથું. ઢીંક માર્યે તો તું મદોન્મત્ત ખૂંટિયાનાં ય શીંગ ખોખરાં કરી નાખ એ વાત સાચી, પણ બુદ્ધિ નાદાન બાળકની. આવડો મોટો આદમી મા, મા, મા, કરતાં શરમાતો ય નથી ? મને તો તારું શું કરવું એ વિચાર થઈ પડે છે. તારું માથું તપાસ્યા પછી તો તને કોટવાળને સોંપવાની જરીકે મરજી થતી નથી. તારી છાતી ને તારી પીઠનાં પાટિયા પારખ્યાં પછી તને છોડવાનું મન થાતું નથી. પણ તને ફોજમાં દાખલ કરવાનો શો સબબ રહ્યો છે હવે ? હવે તો મારું જ દિલ ઊઠી ગયું છે. નાકના જુવાનોને શીદ કપાવ્યા કરવા ? જા ભાઈ, ચાલ્યો જા, હવે ઠાલો આ મેડીએ ચડતો નહિ. અહીં કોઈ માફા છે નહિ, સોનારૂપાંય નથી, કે નથી સીધાં સદાવ્રત. દ્વારકાને માર્ગે ઊતરી જાજે. જા. હવે તું આંહીં વધુ રહીશ તો મારો જીવ નાહકનો લોભમાં પડશે. એકની વાંસે બીજી ગઈ, ત્રીજાને ય હવે.