લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
120
સમરાંગણ
 

આ અબોલ જુવાનને સડસડાટ ઊતરતો જોઈને બુઢ્‌ઢો હસ્યો : અરે ! રંગ રે મારા બેટા ખિલખોડા ! સાચો તાલમબાજ મેડીફાડ !”

અરધું ઊતરી ગયેલા એ જુવાનને બુઢુઢાએ ફરી કહ્યું :

“જરીક થોભ, મરદાઈનો પૂજનારો એક છે. સોરઠધરાનો સપૂત અજો જામ, કોક દી આ કાયાને એને માટે ખપાવજે, હોં ! નીકર કાગડા-કૂતરાંને ય ખાવા કામ નૈ લાગે, સદાવ્રતિયા ! બાવાઓ ભેળા થઈને જમીનની જીવાતને જમાડી દેશે. હોં સદાવ્રતિયા ! ખપી જાજે કોક દી મારા અજા જામને કાજે –”


18
પુરુષાતનની પ્રતીતિ

ગરથી અધરાતનું ઊપડેલ કાઠી-કટક પરોઢિયે ખેરડી પહોંચ્યું. જીતનો દરબાર સવારે ભરાય તે પહેલાં થોડોથોડો વિસામો ખાઈ લેવા કાઠી જોદ્ધાઓ પોતપોતાને ફળિયે ચાલ્યા ગયા. અને પોતાનું જખમી હૃદય સગી સ્ત્રી પણ ન પરખી જાય તે માટે કાઠીરાજ લોમા ખુમાણે શાંતિથી પોતાના શયન-ખંડના ઓરડામાં ઢોલિયે બેઠેબેઠે કાઠિયાણી પાસે કપડાં ઉતરાવવા માંડ્યાં.

“પણ આવડી મોટી જીતનો ઝળકાટ જ તમારા મોં માથે મુદ્દલ કેમ દેખાતો નથી, હેં દરબાર ?”

કાઠિયાણીના એ પ્રશ્નના જવાબમાં ખુમાણે કહ્યું : “જીતને ય જીરવવામાં શોભા છે, કાઠિયાણી.”

“તમને એક વધામણી આપવી છે.”

“આપો.”

“તમે સ્વપ્ને ય કદાપિ ન માનો એવી વધામણી.”