પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
સમરાંગણ
 


છૂટ્યો. રાજપીપળે આવ્યો. ઇતમાદખાંની આગળના સૂબા શાહબુદ્દીને દલ્લી જતાં જતાં પોતાના મુંગલા જોદ્ધાઓને રજા આપી. એ બધા ઈતમાદ ભાભા આગળ ગયા. કહે કે અમને ચાકરીમાં રાખો. ઇતમાદ ભાભો બોલ્યો કે ગામ-ગરાસ તો તમને ન મળી શકે, રે’વું હોય તો દસ-દસ રૂપરડીનો દરમાયો ખાવ. ભાભો બહુ ભૂંડો લાગ્યો. ફોજમાં ફાટફૂટ પડી. મુંગલા બધા નહનૂભાઈને ભેટી ગયા છે. ખંભાતના દોલતા સૈયદે અને સૂરત-ભરૂચવાળા સરદારોએ દોડ્યા આવીને નહનૂભાઈને કોથળકોથળે નાણાં દીધાં છે, હજારુંની ફોજું તૈયાર રાખી છે. અમદાવાદમાં ઇતમાદ ભાભાનું કોઈ રિયું નથી. વસ્તી હૂકળી રહી છે, કે લાવો, ઝટપટ લઈ આવો અમારા આગલા સુલતાન મુઝફ્ફરશાને. પણ ભાઈ બચાડો, પંડ્યે તમને તેડવા આવેલ છે : આવીને મારા તો પગુંમાં પડી ગયો, ને બોલ્યો કે બેનની દુવા લઈને પછી ગાદીએ બેસવું છે. અને પ્રથમપહેલો આશરો આપનાર કાઠીરાજને ગુજરાતી અમીરાતની પહેલી પાઘડી બંધાવવી છે.”

લોમા ખુમાણે આખી રાત ગળીગળીને મનમાં ઉતારી પૂછ્યું : “આપણા જાસૂસે શું કહ્યું ?

“કહ્યું કે અમદાવાદનો એકેએક ખબર સોળ વાલ ને એક રતી સાચો છે, ને ઇતમાદ ભાભો આજકાલમાં જ ઓલ્યા મોયલા શાહબુદ્દીનને મનાવી લાવવા ઊપડી જશે.”

“કાઠિયાણી,” લોમા ખુમાણે કહ્યું : “હવે તમારી વધામણી સાચી. હવે લાવો દાતણ અને છાશ્યું તૈયાર કરાવો.”

“તૈયાર કરાવવાનું અટાણ લગી હોય ? રાત બધી નીંદર જ કોણ કરે છે. આ ત્રણ દી થ્યા ? આખું ગામ જાગે છે. મહેમાનોની સરભરા કરીયે છયેં.”

“આ વખતે તમને વીરપહલીનું કરીને કાંઈ આપ્યું તમારે ભાઈએ, કે બસ બોન ! બોન ! બોન ! કરીને જ રીઝવે છે ?”

“આમ જરા જોશો ?” એમ કહીને કાઠિયાણીએ ઢોલિયા નીચેની