પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરુષાતનની પ્રતીતિ
125
 


એક પેટી બતાવી. ઉઘાડી. અંદર ભરેલાં જવાહિરો જોતી લોમા ખુમાણની આંખો ચકળવકળ બની. એણે હર્ષાવેશમાં કાઠિયાણીને હૈયે હાથ નાખ્યો.

“કાં, મોટા હારજીતના જીરવણહાર ! લાજો લાજો હવે, લાડા ! સૂરજ ડાડે કોર કાઢી.” કહેતી જ એ ઊઠીને ચાલી ગઈ. ને લોમો ખુમાણ ઉતારે ગયા.

“ઓહોહોહો –” એમ બોલતે બોલતે લોમા ખુમાણે એ આઠસો લડવૈયાઓના લાડીલા જુવાન સામે ખડકીમાંથી દોટ દીધી. “બાપ આવ્યો, ભાઈ આવ્યો, મારો ખાવંદ સુલતાન આવ્યો !” એમ બોલતાં બોલતાં અશ્રુજળે કંપાયમાન કંઠે કરીને કાઠીરાજે મુઝફ્ફરને બાથમાં ઘાલ્યો. મુઝફ્ફરે પણ કાઠીરાજના શરીર ફરતી સ્નેહની બાથ ભીડી લીધી. ભેટીને છૂટા પડ્યા ત્યારે પરસ્પર બેઉનાં મોં જોવાનો મોકો મળ્યો. નહનૂના ચહેરા પર નવું નૂર હતું. નહનૂની આંખોમાંથી માયામમતાનાં મોતી વેરાઈ નહોતાં ગયાં. એણે આઠસો અંગરખાધારી, લુંગીધારી, જમાદારી પાઘવાળા મુગલો તરફ લોમા ખુમાણને લીધો. એક પછી એક સરદારની પિછાન કરાવી : “આ સરદાર ખલીલબેગ, સરદાર મીર યુસુફ, મહમદ બખશી, કાદર બેગ, અબાલીક ઉઝબેક, મીર આબેદ, મુગલબેગ...”

એક પછી એક સર્વની સાથે લોમા ખુમાણ હાથ મિલાવતો ગયો. પ્રત્યેકને માટે એના મોંમાંથી “બા...પા ! બાપ ! બાપ ! ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કાઠીનાં ! વાહ અમીરાત ! વાહ-વાહ-વાહ- પોતાનું ઘર ગણીને આ ધૂડમાં પડ્યા રિયા, મારા બાપ ! મુગલ અમીરાતના ઢગલા ને ઢગલા મુજ રાંકને આંગણે ઊતરી પડ્યાં...”

તમામની સાથે હાથ મિલાવવામાં લોમા ખુમાણે સ્નેહભાવની અવધિ ખરચી નાખી. દાયરો કસુંબો લેવા બેઠો. ચારણોએ કાઠી ઇમાનદારીનાં ને મુસલમાની નેકટેકનાં કવિતો સુણાવ્યાં. મુઝફ્ફરનાં નેત્રોમાંથી નીતરતી રોશનીની ધારાઓ તો સોરઠી ઇમાનદારીની મહાકાવ્યધારા બની ગઈ.