પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
સમરાંગણ
 


“જેમ તમારી નિગાહ પહોંચે તેમ કરીએ, લોમાભાઈ ! તમે તમામ વાતના જાણકાર છો. તમે જ મારા સાચા સલાહકાર છો.”

*

તે પછીનો ચોથો દિવસ બુધવાર હતો. બપોરની નમાઝનો વખત હતો. અમદાવાદના રાયખડ દરવાજા પાસે કિલ્લાનો બિસ્માર ભાગ મરામત થઈ રહ્યો હતો. બે હજાર કાઠીઓને અને આઠસો મુગલોને પડકારતા સુલતાન મુઝફ્ફરે તેમ જ લોમા ખુમાણે એ દુરસ્ત થતા કિલ્લા-ભાગ પર હલ્લો કર્યો. દીવાલ ઉપર ફોજ ચોકી કરતી હતી તેના ઉપર કાઠીઓ તૂટી પડ્યા, અને અમદાવાદ શહેરને જાણ થઈ કે મુઝફ્ફરશાહ, આપણો સાચો રાજ-વારસદાર, દાખલ થઈ ચૂક્યો. પ્રજાએ મુઝફ્ફરને જૂની રાજભક્તિના ઉમળકાથી ભરેલો આવકાર આપ્યો. અમદાવાદની બજારમાં ઘોડો હાંકતા એ યુવાન મુસ્લિમે પોતાની બાજુએ સોરઠિયા કાઠીરાજને ઘોડો રાખવાનું ગૌરવદાન કર્યું.

“ક્યાં છે કમજાત શેરખાન ? શેરખાન ક્યાં છે ?” મુઝફફરે પોતાનાં વેચાણ કરનાર મતલબી પઠાણ શેરખાન ફોલાદીના ખબર પૂછ્યા.

“શેરખાન ચોકી કરતો બેઠો છે. કિલ્લા નજીકની ‘ચોખંડી’માં. હાલ્યા આવો, સુલતાન.” જાસૂસે જાણ કરી.

“કાઠીરાજ,” મુઝફ્ફરે દાંત કચકચાવીને ભલામણ દીધી : “બે જણને જરૂર પડે તો શેક્યા વિના જ ખાઈ જવા છે : એક શેરખાનને, બીજા ઇતમાદખાનને. એ બે ઉપર દયા બતાવશો નહિ.”

“આ આવે શેરખાન, સામે જ ઘોડેસવારો દોટાવતો આવે છે.”

“ચાલ્યો આવજે, લૂણહરામી શેરખાન. કસમ છે તારી મર્દાઈના, જો તું ભાગે તો, શેરખાન.” એવી ત્રાડો પાડતો મુઝફ્ફર એકલો પોતાનો અશ્વ આગળ કરી વંટોળો જાય તેમ શેખ ભથરીના મકાન તરફ ધસ્યો. એણે આજે ભય તજ્યો હતો. એ પોતે જ આજે ભયનું ભૈરવરૂપ બન્યો હતો. એની જુવાની ખુન્નસ પકડી ચૂકી હતી. એની તલવારના કણેકણમાં શેરખાનના શોણિતની પ્યાસ હતી.