પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાય મુઝફ્ફરો !
133
 


હતો – તલવાર-પટાના ખેલ બતાવતો અને બદ્રીકેદારનાં ગિરિશૃંગો સુધીની વાતો કરતો. રાજા સતા જામની કે જેસા વજીરની સવારી દર્શને આવતી ત્યારેત્યારે એ આઘોપાછો થઈ જતો. એની બોલી મીઠી હતી. એનું ખુલ્લું શરીર ત્યાં પ્રસાદી લેવા ટોળે વળતાં છોકરાંઓનું ક્રીડાસ્થાન બની ગયું હતું. એ બીજો કોઈ નહિ પણ તે રાત્રિએ વજીર-ઘરમાંથી નીકળીને નગરમાં ઠેરેલો નાગડો જ હતો.

એક દિવસ એના કાન પર ચમક પડી. દેરાની પછવાડેની કિનાર પર નવકુંકરી રમવા બેઠેલા બે બુઢ્‌ઢાઓએ એકબીજાની કાંકરી મારતેમારતે ‘હત જોરારના !’ એ શબ્દ કાઢ્યા. ઉપરાઉપરી અનેક વાર એ બોલ બોલાયા.

“આનો માયનો શું છે ?” પરદેશી લેખાતા નાગડાએ જાણે કે દેશી સોરઠી બોલી શીખવાની ઊલટ દેખાડી.

“ઈ તમારે સમજવાને હજી વાર છે વાર, પરદેશી ભૈયાજી !”

ભૈયાજી નાગડાએ આગ્રહ ચાલુ રાખ્યો. પછી એ બુઢ્‌ઢાઓએ માંડીને વાત કરી : “એ તો એમ હતું, ભૈયાજી, કે અમારે આંહીં વજીર બાપુનો એક નાનો છોકરો હતો. ભૂખડી બારશ હતો. જીવતો કોઈ કાળદુકાળ જ જાણે માને પેટ પડ્યો’તો. એક દી નાગમતીને કાંઠે...” એ આખી વાત હાવભાવભેર ચર્ચા બતાવીને ટીખળી બુઢ્‌ઢાઓ બોલ્યા : “આ ત્યારથી અમારે નગરમાં તો કહેવત થઈ પડેલ છે. છોકરો ગેબ થઈ ગયો, માનો ય કાંઈ પત્તો નથી, જામબાપુ ય પોતાનો બોલ વીસરી ગયા હશે, પણ લોકોનાં મોંમાં તો જામબાપુની કહેણી જીવતી રહી ગઈ. પણ, ભૈયાજી, જોજો પાછા તમે ક્યાંક એ બોલી બેસતા નહિ. એ તો કહેવાને ઠેકાણે જ કહેવાય. નીકર ઊંડે ઝાટકા, જાણી લેજો, હોં, ભૈયાજી ! ઈ મેણું તો નામરદો જ સાંખે.”

“મહેરબાની તમારી, ભૈયા !” એટલું બોલીને નાગડો એ આખી જ કથા સાંભળ્યા પછી સૂનમૂન બની નાગમતીને કિનારે ચાલ્યો ગયો, એક શિલા પર બેઠો. અઢાર વર્ષની કલ્પના-પગદંડીને યાદ કરી.