પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાય મુઝફ્ફરો !
135
 

 પાછી ફોજની ભરતી કરવાનું કુંવરને સોંપાયું હતું એટલે વજીરની માફક એને પણ વંકાં શરીરોનો શોખ લાગ્યો હતો.

ત્રીજે દિવસે કુંવરે ઘોડો થંભાવ્યો. લીંબડાના થડનો ટેકો લઈ ઊભેલ જુવાનને પાસે બોલાવ્યો. પૂછ્યું : “કોણ છો ?”

“પરદેશી ક્ષત્રિય છું.”

“કંઈ માગણી કરવી છે ?”

“શેર આટાની.”

“ફોજમાં રહેશો ?”

“રાખો તો તો ત્યાં જ રહેવું છે.”

“તાલીમ લીધી છે ?”

“સહેજસાજ લીધી છે, બતાવીશ.”

“કાલે સવારે કવાયતના મેદાન પર મળજો.”

“કિરપા.”

ઘોડો હાંકી જતાં પહેલાં કુંવરે ઊંચે જોયું. લીંબડાને લીંબોળીઓ બેઠી હતી.

“ભાણજી દલ !” એણે પોતાના વૃદ્ધ નાયબ-વજીરને બતાવ્યું : “હવે તો આપણે બહુ મોટા થઈ ગયા. લીંબોળિયું ખાવામાં લાજ આવે છે. નાના હતા તે દિ’... ઓહો ! સાંભરીને ય દુઃખી થાવું ને ?”

નિસાસો મૂકીને એ કુંવરે ઘોડો હાંક્યો. એને યાદ આવ્યા હતા, નાગડો ઝાડ પર બેસીને બોકડાગાડીમાં લીંબોળીઓ ફેંકતો તે દિવસો.

વળતા દિવસે ‘પરદેશી’ ક્ષત્રિય નામે નોંધાયેલા નાગડાએ પોતાની સમશેરબાજીથી અજા કુંવરને મુગ્ધ કર્યો. એણે દેખાડેલા ખંજર-કટારીના તેમ જ ભાલાના ને મુક્કાબાજીના દાવ તદ્દન નવતર હતા, સોરઠની લશ્કરી કળામાં એક નવાઈ જન્મી. કુંવર પોતે જ તે દિવસથી ‘પરદેશી’ના આ યુદ્ધ-ખેલ અને મુક્કાબાજીના દાવપેચ શીખવા લાગ્યા. શીખતાં શીખતાં વારંવાર કુંવર ‘પરદેશી’ના પંજાને છેડે એક આંગળી છેદાઈ ગઈ હોય તેવું ઠૂંઠું જોઈ રહેતા. ‘પરદેશી’ પ્રારંભ કરતો ત્યારે પૃથ્વી