પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
સમરાંગણ
 


સામો હસ્ત જોડ કરીને મંત્રોચ્ચાર કરતો : जननी जन्मभूमिश्व स्वर्गादपि गरीयसि – આ સ્તોત્ર પણ સૌરાષ્ટ્રમાં નવીન હતું. લશ્કરી સમુદાયમાં ધર્મના પાઠ હાંસીરૂપ બનતા, પણ ‘પરદેશી’ ક્ષત્રિયની યુદ્ધ-વિદ્યામાં અંજાઈ ગયેલા રાજપૂત યોદ્ધાઓ હસવું ભૂલી ગયા. થોડા જ દિવસમાં એનાં કુળ, ગામ, ઠામ, ઠેકાણું ફોજની અંદર તેમ જ ફોજની બહાર પુછાતાં થયાં. એનું વેવિશાળ અનેક પુત્રીઓના પિતાઓ વચ્ચે સરસાઈનો વિષય બન્યું.

*

એક દિવસ બાપુ સતા જામે કુંવરને તેડાવીને ખબર આપ્યા : “સુલતાન મુઝફ્ફરશાનો કાગળ આવ્યો છે. આપણા રાજ તરફથી એને નજરાણો લઈને સલામ કરવા તમારે જવાનું છે. તમને અને વજીરને મળવા એને મન છે. વજીર તો માંદા જેવા રહે છે. તમે એકલા જઈ આવો. લોમો ખુમાણ તો સુવાંગ લાભ લઈ આવ્યો. આપણને જાણ પણ કરી નહિ. કેમ વિચારમાં પડી જાવ છો ?”

“હું ન જાઉં તો ન ચાલે ?”

“શા કારણે ન જવું ? વજીર કાંઈ આખો ભવ બેઠા નથી રે’વાના. તેમ હવે એની અક્લ પણ કામ કરતી નથી.”

“આપ બાપ દરજ્જે છો. એ ગુરુ દરજ્જે છે. મારે બેમાંથી એકેયની અપકીર્તિ નથી તોળવી. પણ આપની પાસેથી એક કોલ જોઈએ. તે વગર હું અમદાવાદ નહિ જઈ શકું.”

“શું ?”

“કે સુલતાન મુઝફ્ફરશાહની મોહબત બાંધવી હોય તો જીવ્યાથી મૂઆ સુધી નભાવી રાખવી.”

“સમય સંજોગો જોઈ વિચારીને જે કરવું ઘટિત લાગે તે કરવું જોવે, કંવર, રાજનીતિમાં તમે પણ વજીરની પાટે બેઠા છો એટલે બાપના બોલ કડવા ઝેર લાગે છે એ હું જાણું છું. પણ ખવાસની રાજબુદ્ધિ છોડીને હવે...”