પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાય મુઝફ્ફરો !
137
 


“ખવાસ તો ખરો, પણ સોરઠની સુવિશાળ સાગર-પટ્ટીને માથે આપણા વડવા હાલાજીના નામની છાપ લગાવી દેનારો, મુલક પાથરનારો ખવાસ.”

“પાથર્યે માટી થઈ જવાતું નથી ને ? સાચવતાં ય જાણવું જોશે. જે બાદશાહી સત્તા હોય તેને નમતા-ભજતા રહેવું જોશે.”

“મને તો એ નહિ આવડે.”

“ઠીક, અમદાવાદ તો જઈ આવો. પછી ચર્ચા કરી લેશું.”

“હુકમ છે એટલે જાઉં છું. પણ કહી મૂકું છું : આપને મારા વચને બાંધવાનો હું અધિકારી નથી ભલે, મારા પોતાના પગને તો હું દહીં-દૂધ બેયમાં નહિ રાખી શકું.”

"ઠીક, પડી મૂકો વાત. જોઈએ હવે. હજી એને ઠરીને ઠામ તો બેસવા દઈએ. પછી વિચાર કરશું.”

પુત્રને બહાર કાઢવાનું જોખમ સમજી લઈને સતા જામે વાત પડતી મૂકી.

હમણાં હમણાં તો કુંવર અને એના યોદ્ધાઓ હરેક સંધ્યાએ વાટ જોઈ બેસતા. ગુજરાતના ખબર લઈને રોજ દોટાદોટ આવનારો રાજ-અસવાર સીમાડે ધૂળના ગોટા ઉડાવતો દેખાય કે સૌના શ્વાસ ઊંચા બનતા. ખેપિયા પછી ખેપિયા આવીને ખબર દેતા : “મુઝફ્ફરશાએ વડોદરા માથે કટક ચલાવ્યાં છે. એને મહી નદી વટતો રોકવા શહેનશાહી ફોજો ખાનપુર બાંકાનેરના ઘાટ ઝાલીને ખડી છે. મુઝફ્ફરશા વણખચકાયો ધસતો જાય છે.”

“શાબાશ, મુઝફ્ફરા !” અજો જામ પોકારી ઊઠતો, ને બીજા જોદ્ધા એ ભલકારા ઉપાડી લેતા.

બીજો કાસદ : “મુઝફ્ફરનું કટક વીસ હજારે પહોંચ્યું. વડોદરું ઘેરી લીધું છે. ખંભાતથી સૈયદ દોલત ચાર હજાર સવારો લઈ મુઝફ્ફરની સખાતે પહોંચ્યો છે. ફોજમાં રજપૂતો ને કોળીઓનો સુમાર નથી.”