પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
139
પરાજિત પર પ્રેમ
 

દેગા, બડા ખાન નિશ્ચય ઉનકો માર દેગા !”

“તમે મોટા ખાનની વાત જાણો છો ? આટલા બધા પિછાનદાર જેવી વાતો કેમ કરો છો ? ચમકી કેમ ઊઠ્યા ?”

“મેં દીઠો છે બડા ખાનને સમરાંગણોમાં લડતો. મેં જાણે સાક્ષાત્ રુદ્રને જોયો છે. ભયને તો ઓળખતો નથી ખાન. કરુણાની મૂર્તિ, પ્રભુનો પાક બંદો, સિપાહીગીરીમાંથી કાયમી ફારગતી મેળવીને તસબી ફેરવતો બેઠેલો મોટો ખાન જો તસબી છોડીને તલવાર ધરી ચૂક્યો હોય તો...”

નાગડો પોતાના જ કલ્પના-દૃશ્યની ભયાનકતા નિહાળી ન શક્યો હોય તેમ આંખો મીંચી ગયો.


20
પરાજિત પર પ્રેમ

પાનીઢક અંગરખા પર ભેટ લપેટેલા એક વૃદ્ધ કેટલીક વાર સાંજરે નાગમતીના નિર્જન કિનારા પર આંટો મારતા અને એક છીપર પર બેસીને માછલાંને દાળિયા, મમરા, લોટની ગોળીઓ ખવરાવતા. તેની સાથે એક આધેડ સ્ત્રી આવતી.

“કાલ આઠમ હતી કે આજ છે, તેનો જોષીડાઓએ જડભરતોએ કેવો ગોટાળો કરી નાખ્યો ! હવે અમાસનું આજથી જ ચોક્કસ કરી રાખજે.” ડોસાએ તપી જઈને કહ્યું.

“હોં, બાપુ.” બાઈએ જવાબ દીધો.

“માછલાં પણ કેટલાં મોટાં થઈ ગયાં !” ડોસો નવાઈ બતાવતો હતો.

“દી જાય તેમ તેમ તો થાય જ ને, બાપુ !” બાઈ પણ નાના બાળકને ફોસલાવવા જેવો તાલ કરતી હતી.