પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
સમરાંગણ
 


જ કોઈક સ્થાન પર, માનાં સ્તનપાન કરતો કરતો હું મોટો થયો હોઈશ ? આંહીં જ ક્યાંક માને ગાળ દેવાઈ હશે કે ? મહિનાના જે ચાર દિવસ બાપુ આંહીં બેસીને ગુજારે છે, તે દિવસો માની યાદગીરીના હતા. આખા ગામમાં અદબભેર બોલાતી એ ધર્મ-કથા હતી. બેટાને કાને એ વાત અનાયાસે પહોંચી હતી. ફોજના જુવાન જોદ્ધાઓ પિતાનાં સુખદુ:ખોની ચર્ચા દિલસોજ ભાવે કરતા હતા. એ વાતો ફક્ત અજા કુંવરની ગેરહાજરીમાં જ થતી. કેમ કે પોતાના બાપની બદનામી વજીરાણીની વાત સાથે એવી તો દુઃખદાયક રીતે જોડાઈ હતી, કે એ ચર્ચામાં ભાગીદાર બનવાની કુંવરની હામ નહોતી.

નાનપણનાં નિગૂઢ સંભારણાંને સંઘરતો આ નાગમતી-તટ ઘડીક ઘોડિયા સમો ને ઘડીક ચિતા સમો લાગતો રહ્યો. એ વહેતાં નીર વેદનાની વાત ભાખતાં હતાં. હરિયાળી ધ્રોની પાંદડીઓ પગને ગલીપચી કરતી હતી. પોતે ત્યાં ઊભો હતો – વર્તમાનની ગૌરવ-કલગી પહેરીને, પણ ભૂતકાળનો કપાળ-ડામ સહેતો રહેતો. આવી જ મિશ્ર લાગણીઓ યમુના-તીરે મુઝફ્ફરને અનુભવવી પડી હતી ને ! યમુનામૈયાની આશિષે મુઝફ્ફરના કલેજામાં મર્દાઈનો કોંટો ફૂટ્યો. મુઝફર તલસ્યો હતો થોડાક સાથીદાર જોદ્ધાઓના સાથને માટે, અભયની એક ઝંઝારૂપિણી ઊર્મિને માટે. મુઝફ્ફરે એકલા હાથે ગુજરાતનાં કબ્રસ્તાનમાં શબો બેઠાં કર્યા. દિલ્હીપતનો એ સમોવડિયો નીવડ્યો. અને શી ફિકર છે આજે એક વર્ષે પાછો એ પછડાયો તેની ? મોહરમ માસનો તેરમો ઉપવાસ (રોજો) મોંમાં જલતો હશે, અને કરાળ કાળ મોટા ખાનના ગાંડાતૂર એક સો ગજરાજોની પ્રલય-લીલા વચ્ચે ઘોડો ઘુમાવતો સાબરમતી-સુત નહનૂ પોતાની સરિત-મૈયાને સામે પાર કેવો સોહામણો લાગ્યો હશે એ શુક્રવારના સંધ્યા-તારાની આંખે જ ! ઓ મૈયા નાગમતી ! મને ય આપવો હોય તો આપજે, એવો જ સુંદર પરાજય.

જે વખતે આ એકલ યુવાન મુઝફ્ફરના વિચારો કરતો હતો, તે વખતે વજીર અને કુંવર વચ્ચે પણ મુઝફ્ફરની જ વાતો થતી હતી.