એક ખડાઈ મોટી પાડીના ગળાની રાશ ઝકડી હતી.
હાથીને દેખતાંની વાર ખડાઈ પાડી ઠેકડા મારવા લાગી. હાથી દરવાજામાં દાખલ થાય તો લોકોની ભીડમાં મૃત્યુની લીલા મચી જાય એવો મામલો હતો.
“હાથી ગાંડો છે, હાથી વકર્યો છે, બાઈ, ખસી જા.” એવા રીડિયા પડ્યા ત્યારે ગામમાં દાખલ થતી આ કન્યાએ પીઠ વાળીને નજર કરી. ગાંડા હાથીને એણે ધસ્યો આવતો દીઠો. નગર બાજુથી એણે કૈંક સ્ત્રીઓ અને નાનાં બાળકો આવતાં દીઠાં, બન્ને બાજુનાં દૃશ્યો દેખ્યા પછી ખડાઈની સાથે દરવાજામાં હેલ્ય સાથે હાથીનો રસ્તો રૂંધીને ઊભા રહેવાનો એણે નિશ્ચય કર્યો. એ નિશ્ચય જાહેર કરવાનો વખત ક્યાં રહ્યો હતો ? લોકોએ એટલું જ જોયું કે ‘ભાગજે, બાઈ’ એ બોલના જવાબમાં બાઈ સામી છાતી કાઢીને ઊભી રહી. ન બાઈએ બેડું નાખી દીધું, કે ન એણે પાડીને છૂટી મૂકી દીધી. હાથીએ પણ પોતાના માર્ગને રૂંધનારી આ એક છોકરીને દેખી પોતાનું અસહ્ય અપમાન અનુભવ્યું. એ થંભ્યો, અને એક જ પળ પછી ભયાનક ધસારો કરવાને માટે એકદમ પાછો હઠ્યો, પણ સૂંઢ ઘુમાવવાનો પૂરતો પટ એને જડ્યો નહિ તેથી એ વધુ વિફર્યો. તે જ પળે એણે પોતાની પછવાડે કોઈ મોટું ઝાડ ભટકાયું હોય તેના જેવો હડસેલો અનુભવ્યો. એ પાછો ફરીને જોઈ શકે તે પહેલાં કોઈક એના પૂછડાને ટિંગાઈ વળીને એના બરડાનાં જડમૂળને ઝંઝેડતું લાગ્યું. એણે મોં ઘુમાવ્યું એટલે કોઈક જડસુ જેવા હાથની એણે થપાટ ખાધી. એનાં જડબાં ઉપર એક લાકડી પછડાણી, બીજી લાકડી, ત્રીજી ગલોફાં ને ગાલ પર : ચોથી ગંડસ્થળ પર : છઠ્ઠી-સાતમી : હાથીને એ ફટકા ગણવાનો સમય નહોતો; એણે ઘુમાવેલી સૂંઢ પર બીજા ઉપરાછાપરી પંદર ફટકા એક જ લાકડીમાંથી મેહુલાની ધાર જેવા વરસ્યા, ને હાથીએ વિચાર કરવાનો પણ સમય માગ્યા વગર ત્યાંથી પલાયન કર્યું.
“જઈ રહ્યા, ગજરાજ ! જઈ રહ્યા.” એમ બોલતા એ ‘પરદેશી’