પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
સમરાંગણ
 


યુવકે હાથીના પૂછડા પર ડંડા મારી ચક્કરચક્કર ફેરવ્યો. હાથી વાછરડી જેવો ગરીબડો બની ગયો.

દરમિયાન કન્યા હજુ માથે હેલ્ય અને હાથમાં પાડીને પકડી રાખીને જ ઊભી હતી. એણે યુવકને હાથીની ઝીણી આંખો સામે ડંડો રાખીને જ ઊભેલો દીઠો. યુવકના મોં પર ઉકળાટ હતો, રોષ નહોતો. પરાજિત પશુરાજની નજીક જઈને પછી એણે હળવા હાથે સુંઢ પંપાળવા માંડી.

ઘણી ઠઠ ભેગી થઈ ગઈ. વજીર અને અજોજી પણ આંબી ગયા. વજીરને આગળ વધતા દેખી ‘પરદેશી’ યુવાન પોતાની પીઠ ફેરવી ગયો. પીઠ ફરતાંની સાથે જ યુવાને દરવાજા વચ્ચોવચ્ચ એ હેલ્યવાળી પનિહારીને દીઠી. બન્નેએ પરસ્પરના મુખભાવ નીરખી લીધા.

“શાબાશ તારાં માતપત્યાને.”

એમ બોલતો વૃદ્ધ વજીર આગળ વધ્યો. એટલે ‘પરદેશી’ નામે ઓળખાતો નાગડો ઊંચે હાથે દૂરથી સૌને વારવા લાગ્યો. “આંહીં કોઈ આવશો મા,” કહી એણે મોં ફેરવી લીધું.

“કોણ છે એ જુવાન !” વજીરે હાંફતાં હાંફતાં પૂછ્યું.

“આપણો ફોજી છે. નવો ભરતી થયેલો પરદેશી રાજપૂત છે.” અજા કુંવરે ઓળખાણ આપી.

બેઉ દરવાજે પહોંચીને જઈ ઊભા. થંભી ગયેલી કન્યાને પૂછ્યું : “કોણ છો, બાઈ ? ગજબ હિંમત કરી !”

હાથીને પરાજય આપનાર યુવાન પરથી નજર ઉખેડીને કન્યા સહેજ લજ્જિત નયને બોલી : “રજપૂત છયેં.”

“આંહીંના નથી લાગતા.”

“ના. જગત દીમનાં રયેં છૈયેં”

‘જગત’ તે વખતમાં દ્વારકાને ઓળખાવતો શબ્દ હતો.

“કોનું ખોરડું ?”

“મોરીનું.”