વગર જ ભેંસોનાં પાડરું છોડી છોડી બાપને દોવામાં મદદ કરવા માંડી દીધી હતી. ધર્મશાળાના ફળિયામાં એક ગાડું હતું. ગાડામાં નાનો પટારો, ઘંટી, છાશની ગોળી, રવાઈ, થોડાંક ગોદડાંના ગાભા, એક માટીની કોઠી, ખાટલી, ખાટલો વગેરે થોડીક ઘરવખરી ભરેલી હતી. બળદો બેઠાબેઠા વાગોળતા હતા. ચારેક ભેંસો ઊભીઊભી પાડરુ પ્રત્યે હીંહોરા કરતી હતી. પૂછ્યું : “ક્યાંના છો ?”
“બે-ત્રણ પેઢીથી કચ્છના.”
“આવો છો ક્યાંથી ?”
“ઓખામાંથી.”
‘ઉચાળા ફેરવતા લાગો છો.”
“હા, નેસડો હતો તે મેલી દીધો છે.”
“કેમ ?”
“જરીક વહેમાળું થઈ ગયું. એક બાવાએ જીવતી સમાધ લીધી. પછી આ બાળકીને એનું ચળીતર કષ્ટ દેતું હતું.”
“જીવતી સમાધ લેનારો બાવો શું અવગત્યે ગયો ?” વજીરે પ્રશ્ન કર્યો : “જીવતો દફ્ન થનાર તો પુણ્યશાળી સંતાત્મા હોવો જોઈએ.”
“જીવતી સમાધ તો જોરાવરીથી લેવી પડેલી. એની સાથે એક જુવાન બાઈ હતી. એક દી એક બુઢ્ઢી ત્યાં આવી. બુઢ્ઢીને ને બાવાને લોહીલુહાણ ધીંગાણો થિયો. બુઢ્ઢી તો જખ્મી થઈને મરવા જેવી પડી. પણ આ મારી છોકરી ત્યાં ભેંસો લઈને નીકળી. એ દોટ કાઢીને બાવાને માથે ત્રાટકી. બાવાના કાનની વાળી ખેંચીને કાનની બૂટ તોડી નાખેલી. એ જ ટાણામાં જોગીઓની એક મોટી જમાત નીકળી. બાવો હતો ગોરખપંથનો, કાન ફાટી ગયો એટલે જીવતાં સમાધિમાં બેસવું જ જોવે એવો જમાતે ઠરાવ કર્યો ને બાવાને તાબડતોબ ગારદ કર્યો. પછી બુઢ્ઢીને ઝોળીમાં નાખીને ઉપાડી. જુવાન બાઈને પણ ભેગા લઈ ચાલ્યા. અમારો નેસ ધીમેધીમે ભાંગી ગિયો. હું ને ડીકરી, બે જ રિયાં. ગોઠ્યું નહિ. નેસ મેલી દીધો.”