પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150
સમરાંગણ
 


આ શબ્દો બોલબોલતે પણ બાઈ સામે નહોતી જોતી, પાડીને જ થપાટો મારતી હતી. વળી કહેતી હતી : “જેવા આ ગામના હાથીડા, તેવા જ લાગે છે માનવીઓ. મરછકેલા ને બાયડિયું માથે શૂરા. મૂછ્યું જ ખચકાવી કાઢવી જોવે. ધીંગાણે કેવાક નીવડે છે એની હજી કિને ખબર !”

“રાજુબાઈ,” સાદ પડ્યો : “આવ તો, બેટા !” બાપે બોલાવી.

તોફાની રાજુ એકઢાળિયાના જાળિયા પરનાં આ તમામ તોફાન શમાવી દઈને ડાહીડમરી થઈ પિતા પાસે જઈ ઊભી.

“આ કુંવરબાપુ ને વજીરબાપા તને પે’રામણી બક્ષે છે, રાજુ.” બાપે સમજ પાડી. દીકરી શરમાઈને નીચે જોઈ ગઈ.

એના હાથમાં નગરની બાંધણીની એક ચૂંદડી અને થોડાક રૂપિયા મૂકીને વજીરે તારીફ કરી : “જીવતી રહે, બેટા. ને જોધારમલોની મા થા. હાથીનાં હાડ ભાંગનારા પાકજો તારે ખોળે, બાઈ.”

કન્યા આ આશિષોને ભારે વધુ નીચે ઢળી.

ધર્મશાળામાંથી પાછા ફરતાં વજીર અને અજાજી વચ્ચે ધીરી ધીરી વાતો થઈ.

“આ છોકરીના પેટમાં કેવા પાકે ! નગરની કુળવહુવારુ બને તો તો રંગ રહી જાય.”

“આ મારો રજપૂત માને તો તો મેળ મળી જાય.”

“નજર તો એની પણ એ જ વાત કહેતી હતી.”

“ક્યારે ?”

“નદી-કિનારે. બેય સામસામાં તાકવા લાગેલાં.”

“ધ્રોળ તો ઢૂંકડું જ છે, તપાસ કરાવશું.”

“છોકરો કેમ આઘેરો આઘેરો જ ચાલે છે ?”

“અદબ પાળે છે.”

“મને એવો વહેમ આવે છે કે જાણે મારી સામો કતરાઈ રહે છે. મારાથી મોં ફેરવતો હોય તેવું ભાસે છે. હું તે એનો કયા ભવનો દુશ્મન હઈશ ?”