પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોડી જડી
151
 

 “એવું હોય નહિ. જરા એકલસૂરા સ્વભાવનો તો છે જ. બહુ બોલવાની ટેવ નથી. અજાણ્યું પણ લાગે તો ખરું જ ને ? આપની બાહ્યલી કિરડાઈ અંદરની કુમાશને એકદમ કોઈનો સ્પર્શ પામવા દેતી જ નથી.”

“હવે તો ભગવાન નવો જનમ દિયે તે વગર કરડાઈ થોડી ઊતરવાની છે ? મીઠાશથી બોલવાની મહેનત તો ઘણી કરું છું, પણ નવી વિદ્યા ચડતી જ નથી ને !”

“જુવાનને કાંઈક બદલો દેશું ?”

“દફેદારી આપીએ તો ઠીક, પણ થોડા દિવસ વાટ જોઈ જોવી. એકલું બળ હશે તો છકી જઈને બહાર પડી જશે. પરાક્રમને જીરવી જાણનારો છે એમ માલૂમ પડે, બડાઈખાં ન બનતો લાગે તો જ દેજો દફેદારી.”

“આપની વાત બરાબર છે.”

“જરા કડકાઈથી કસોટીએ ચડાવજો. સોનું હશે તો જેમ તપશે તેમ વધુ ચળકાટ દેશે. જલદીજલદી આફરીન ન બની બેસવું, બાપા ! આ તો માણસો ઘડવાનો કસબ છે. ચતુરાઈનું કામ છે. આપણે બેઠેલા ત્યાં છોકરીને જોવા માટે ય એ જુવાન આવ્યો નહિ એથી જ મને એનામાં માણસાઈની આશા પ્રગટી છે. શીલ વગરના, શિસ્ત વગરના, સંસ્કાર વગરના શૂરાઓને શું ગૂડવા છે !”

બેઉ જણા પરબારા મશાલ-કચેરીમાં ગયા. અને ઢાલ-તલવારધારી પરદેશી ‘નાગડો’ પોતાની મુકરર જગ્યાએ ઊભો ઊભો ઊંડા આત્મવલોવણમાં પડ્યો.

આ સ્ત્રી ! આ સોરઠિયાણી ! સ્ત્રીને કોઈ દી પૂરી જોઈ નહોતી. સ્ત્રીથી તરીને જ સદા દૂર ચાલતો આવ્યો છું. આજ નારીને નીરખી નીરખીને ધરાતો કેમ નથી ? ફરી વાર કેમ એની ગાળો ખાવા જવાનું દિલ થાય છે ? કોણ હતી એ ? જાડેજી ભાષાની ઘંટડીઓ કેવી એના કંઠમાં વગડતી હતી ! મેં એનું શું બગાડ્યું છે કે એ મને ઠપકો દેતી હતી ? એના મોં પર એક તમાચો લગાવી દીધો હોય તો ? તો આંગળાંના