આજે જ્યાં ગોંડળ શહેર છે, તે સ્થાને સાડાત્રણસો વર્ષ પર વેરાન હતું. વેરાન પર એક જીર્ણ કિલ્લો ઊભો હતો. એ બાદશાહી કિલ્લો ગોંડળના ગઢ નામે ઓળખાતો. તેના પર માલિકી જૂનાગઢના સુલતાની જમાદારની હતી. જૂનાગઢ તે વખતે ખેંગાર અને માંડળિકનો ‘ગઢ જૂનો’ મટી જઈને મુહમ્મદ બેગડાનું ‘મુસ્તફાબાદ’ બન્યું હતું. મુસ્તફાબાદની જમાદારી ટુકડીઓ કોઈકોઈ વાર આ ગોંડળના ગઢમાં પડાવ નાખી ચોમેરની ચોકી રાખતી. આજુબાજુનાં ગ્રામલોકોએ માન્યું હતું કે અત્યારે પણ ગઢમાં કોઈક ફોજદારીનો મુકામ પડ્યો છે. પડાવમાં પચીસેક સવારોથી વધુ નહોતા લાગતા.
કિલ્લા ઉપર આખી રાત ચીબરીઓ બોલતી. ઘુવડોના ઘૂઘવાટ થતા. ચામાચીડિયાંનાં થરેથર અંદર ગંધાતાં હતાં. થોડાક દિવસે એ અવાજોમાં એક અવાજ ઉમેરાયો. એક બાળકનું પહેલવહેલું રુદન માલિકને આ ઉજ્જડ ગઢમાં સંભળાયું. એના રાજમાં તો તમામ વાણી મંગળ છે. રડતું બાળક ચીબરીઓના રાત્રિ-સ્વરોને કે માતાના આર્ત-સ્વરોને, બેમાંથી એકેયને સાંભળી શકતું નહોતું. એના ફરતી એક મશરૂની ઇજાર પહેરનારી માતાની ગોદ હતી. મશરૂની ઇજાર, મલમલનો સદરો અને મખમલનો કબજો એ માતાના દેહ પર મેલાં થયાં હતાં. એક પુરુષ એના ઓશીકા પાસે બેસીને લલાટ તેમ જ વાળની લટો પંપાળી જતો. વળી પાછો બહાર ચાલ્યો જતો. સુવાવડી ઓરત પાસે એને કશોક સંદેશો કહેવો હતો. એ સંદેશો જેટલો મોડો દેવાય તેટલું વધુ મુનાસબ ધારીને યુવાન મોકૂફ રાખતો હતો. રાત વેગબંધ ભાગતી હતી.
બહાર નીકળી નીકળીને પૂછતો : “કાસદ આવી ગયો ?”
આખરે કાસદ આવ્યો. એણે ખબર આપ્યા : “નીકળી ગયા સિવાય