પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
સમરાંગણ
 


ઇલાજ નથી. ઓચિંતા ઘેરાઈ પડશું. રાણપોરના કિલ્લા સુધી ચોપાનિયાં ચોડાઈ ગયાં છે, આપના માથા માટે તેમ જ ગિરફતારી માટે મોટું ઇનામ જાહેર કરેલ છે. ખાનખાનાન નીકળી ચૂક્યો છે.”

‘ખાનખાનાન’ : મુઝફ્ફર પર વિજય મેળવનાર નવાબ મિરઝાખાનને માટે એ આગ્રાથી નવો આવેલો એ શહેનશાહી ઇલકાબ હતો. અકબરશાહે પોતાના પરાક્રમી દૂધભાઈને ગુજરાતની કડક કબ્જેદારીની કદરદાનીમાં ચારહજારીનો ઉપરી બનાવ્યો હતો. ચારહજારી એટલે ચાર હજાર ઘોડેસવારોની ફોજ.

“જૂનાગઢથી અમીનખાન શું કહે છે !” યુવાને કાસદને પૂછ્યું.

“અમીનખાન તો મોતબિછાને છે. એમના પુત્ર જમાદાર દૌલતખાન લાચારી બતાવીને કહેવરાવે છે, કે થોડા રોજ ખસી જાઓ; ખાનખાનાન આંટો મારીને ચાલ્યા ગયા પછી હું બંદોબસ્ત કરીશ.”

“આ સુવાવડી ઓરત અને બચ્ચાને સમાલવાની તો એણે હા કહી ને ?”

કાસદે દુઃખભર્યે મોંયે ડોકું ધુણાવ્યું.

“ના પાડી ? સાચું કહો છો ?” યુવાન આભો બન્યો.

“બોલ્યો કે મારા મુસ્તફાબાદ પર આફત ઊતરશે. એ તો ખેર, પણ એ માબચ્ચાની સલામતીની જુમ્મેદારી લેતાં ય અમારાં કલેજાં કંપે છે.”

“ક્યાં રાખશું ? અલ્લાહ !” ઘણાં વર્ષો પછી યુવાને આવી આહ પોકારી. “લોમાભાઈએ પણ આવીને હાથ જોડ્યા. કહે કે મારું ખેરડી, મારું કાઠીનું વાટકડીનું શિરામણ રઝળી પડશે. કૃપા કરીને દૂર રહેજો, થોડાક દિવસ અમને મોકળા રેવા દેશો તો અમે તમારા બચાવની જબરદસ્ત સજાવટ કરી દેશું. આ વંટોળો ઊતરી જવા દો. આમ બધા જ દોસ્તો-તાબેદારો આજે મને ના પાડે છે.”

“નગરથી કાંઈ જવાબ ?” કાસદે પૂછ્યું.

“હવે આશા નથી. લોમા ખુમાણ અને દૌલતખાન જમાદારથી