પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીડમાં ભેરુ
155
 


જુદા પડીને કામ આવું ગુનાહિત પગલું ભરવાની હિંમત ન કરે. આપણે તો ભાગી નીકળીએ, પણ આ બચ્ચાની માને ક્યાં સુવાડશું ?”

“એમને સાથે લઈને જ રાતોરાત આપણે નીકળી જવું જોઈએ.”

“બસ ત્યારે, યા પરવરદિગાર ! હું જનાનાને જાણ કરી દઉં છું.”

કિલ્લાની બહાર બરાબર એ જ વખતે બે-ત્રણ ઘોડાંની પડઘી વાગી. કિલ્લેદારે આવીને ખબર આપ્યા : “અસવારો આવ્યા છે. મુલાકાત માગે છે.”

જુવાને જાળિયામાંથી જોયું. મશાલના પ્રકાશમાં બે મુસાફરો ઊભા હતા. એક ચહેરો પિછાનવાળો લાગ્યો. જૂની ઓળખાણના અસ્પષ્ટ ભણકારા ઊઠ્યા. પણ સ્પષ્ટ યાદ ન જન્મી. કહ્યું : “તેડી લાવો.”

બેમાંથી એક આદમી અંદર આવ્યો. શિર ઝૂકાવ્યું. અદબ કરીને સન્મુખ ઊભો રહ્યો. માથા પર પાઘ હતી. શરીરે સફેદ સુરવાલ પર ઢળતો અંગરખો હતો. કમરમાં તલવાર હતી. ભેટમાં કટારી હતી.

એની સામે નીરખતે નીરખતે યુવાને હાથ મિલાવ્યા. “તમે – તમે – તમે –તો...” બાકીનું વાક્ય બોલતાં બોલતાં તૂટી ગયું કે તરત જ આ પરોણાના પંજાને છેડે એક કપાયેલી આંગળીનું ઠૂંઠૂં પરખાયું.

“તમે કોણ ? જમના-તીરના જોગી તો નહિ ?”

પરોણો જવાબમાં ફરી શિર ઝુકાવી, જુવાનના હાથ પર પોતાની આંખો ચાંપી જરીક હસ્યો, એણે એક જ શબ્દ ઉચ્ચાર્યો : “ધન્ય !”

“તમે અહીં ? આ વેશે ? સાથે કોણ છે ?” મુસ્લિમ યુવાને એક જ શ્વાસે પ્રશ્નો પૂછી લીધા.

“નગરથી કુંવર અજોજી જામ છે.”

“આખરે શું આવી પહોંચ્યા, દોસ્ત અજોજી ! મારા અણદીઠ્યા જાની આવી પહોંચ્યા !"

આ જુવાન પોતે જ પરાજિત સુલતાન મુઝફ્ફર હતો. એણે હર્ષભેર ખડકી તરફ પગલાં ભર્યાં.

“આપ રહો, હું એમને તેડી લાવું છું.” અતિથિએ કહ્યું.