નાગમતી નદીનો એ રળિયામણો આરો હતો. ફરસી પહોળી છીપર ઉપર બેઠી બેઠી એક ચાલીસેક વર્ષની આધેડ ઓરત પોતાના લાંબા હાથ હિલોળતી હિલોળતી અતલસનું કાપડું ચોળતી હતી. ચોળાતા કમખામાંથી સફેદ ભૂતડાના દૂધવરણા રંગ સાથે પહેલકી ધોણ્યનો લાલ અતલસી રંગ ચૂઈચૂઈને નદીનાં પાણીમાં નીતરતો હતો, તેને પીવા ઝીણીઝીણી માછલીઓ છીપર ફરતી ટોળે વળી હતી.
આધેડ બાઈના પહોળા બરડા પર ફક્ત આછી એક ઓઢણી હતી. બરડો લીસો હતો. ઓઢણી લપટતી હતી. છબછબિયાંમાંથી ઊડતાં પાણીનાં ટીપાં પણ નિશાળનાં નાનાં છોકરાં ઊંચાં લીલાં પાટિયા પરથી લસરતાં હોય તે રીતે બાઈના બરડા પર પડી પડી લપટી જતાં હતાં. કાપડાની કસોના ગુલાબી કાપ બરડા પર પડેલા હતા. આ નદી-આરો ઉપરવાસનો હતો, એકલ હતો, નિર્જન હતો. ધોનાર ઓરતની સાથે એક જ બીજી બાઈ હતી તે લૂગડાં નદી-કાંઠાની સફેદ ભૂતડાની માટીમાં મસળતી હતી.
બેથી અઢી વર્ષનો એક છોકરો આ કાપડું ધોતી આધેડ બાઈના બરડા પર ધબ્બા લગાવતો અને ગળે બાઝતો પછવાડે ધીંગામસ્તી મચાવી રહ્યો હતો.
“આઘો ખસ, મારા વેરી, થોડીક વાર તો મને કવરાવવી રે’વા દે!” બાઈ છોકરાને ઠેલવા મથતી હતી. ધોવામાં એને અગવડ પડતી હતી.