પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
સમરાંગણ
 


“નહિ, હું લેવા આવીશ.”

બહાર આવતાં જ એ પહેલા આવનાર અતિથિ નાગડા વજીરે અજા જામને ફક્ત એક જ શબ્દથી મુઝફ્ફરની ઓળખાણ કરાવી : “પોતે જ.”

‘શાબાશ. આજે તો નામનિશાન વગરની જ પિછાન શોભશે.”

એમ કહેતા મુઝફ્ફરે કુંવર અજાજીના ઝૂકતા શિરને ઊંચું કરી લઈ બાથ લેવા હાથ પહોળાવ્યા.

ત્રણેય જુવાનોએ સામસામા જોયે જ રાખ્યું, નાગડો યમુના-તીરના સહેજ દયામણા મોંના કરતાં જુદું જ મોં જોતો હતો. રતાશને બદલે સહેજ શામળી ને સૂર્યના તાપમાં તપ્ત થયેલી ત્રંબકવરણી ઝાંય એ ચહેરાએ ધારણ કરી હતી. અપમાનની વેદના તો આંખોમાંથી એકદમ ઊડી ગઈ હતી. નજ૨ પાણીદાર ખંજરો જેવી ચળકચળક થતી હતી. અજો જામ તો આ જુવાન સુલતાનના દીદારમાં, વર્તાવમાં, ઉદ્‌ગારમાં પરાજયની કે આફતોની કશી વ્યાકુળતા ન જોઈને નવાઈ પામ્યો.

હસીને એણે કુંવર પ્રત્યે એટલું જ કહ્યું : “આપને મૂંઝવણમાં મૂકવાનું દિલ નથી. લોમા ખુમાણે મને આપની હાલતનો પૂરો ખ્યાલ આપ્યો છે.”

“સુલતાન,” કુંવરના બોલવા વખતે મોં પર કચવાટ હતો : “અમારી હાલત આપ પાસે રજૂ કરવા અમે કોઈને કહ્યું નથી. હાલત રજૂ કરવી હોત તો હું શા માટે આવત ? લાંબી ચર્ચાનો વખત નથી રહ્યો. આપના રસ્તા રૂંધાતા આવે છે. સવાર સુધી પણ અહીં રહેવામાં સલામતી નથી.”

“બીબી ને બચ્ચું...”

“જાણું છું. એ મારી બોન છે. હું એને અત્યારે જ નગર તેડી જવા આવેલ છું. આપ પધારો, ઉપલેટું ઢૂંકડું જ છે. ત્યાંથી બરડાના પહાડગાળામાં પહોંચી જવાના પાધરા મારગ છે. રહેવું હોય ત્યાં સુધી કોતરોમાં રે’જો. જ્યાં હશો ત્યાં રોટલા પહોંચતા થશે. આ જુવાન દફેદાર આપને મારગ ચીંધવા આવે છે. દિલ ચાય તો મુલક પાર થઈ જજો.”