પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
સમરાંગણ
 


છીએ. જિંદગીની પણ નાનું યા મોટું એક સ્વપ્ન જ છે ના, ભાઈ ! સાથે નિરાંતે રહેવું હતું. હવે તો...” મુઝફ્ફર હસ્યો, “બાળબચ્ચાં તમારે આશરે છે. ઘણો મોડો સંસાર માંડ્યો એટલે પ્યાર – જરા – વિશેષ – સતાવે – છે.” એને ગળે કાંચકી પડતી ગઈ : “પણ હું પાછો વહેલો આવી પહોંચીશ. બીબીને પણ આખરે સોરઠી ઈમાનદારીનો જ ખોળો મળ્યો. કેટલી નસીબદાર !”

જોશથી પંજા મિલાવી એ બહાર નીકળી ગયો. ઘોડો અને મુગલ સવારો તૈયાર હતા. એણે અજા કુંવરને એકાંતે લઈ જઈને હાથમાં કાંઈક સેરવ્યું ને કહ્યું : “આ રાખો. બીબીની ખરચી આપું છું. દરગુજર કરજો, દોસ્ત. આથી વધુ બચત રહી નથી”

“સારું, લાવો.” કુંવરે એ ઝવેરાતની દાબડી લઈ લીધી. “હવે તો ખાતરી રાખશો ને, કે બીબીસાહેબાને ખરચી વગર અમે તકલીફ નહિ કરીએ.”

“મારી વેળા હતી ત્યારે તો હું લોમાભાઈને ઘેર તેમનાં બીબીને ઘણું આપી શક્યો છું. આજે તો ઓચિંતો ખલ્લાસ થઈ ગયો ત્યારે જ આપણે મળ્યા, ભાઈ ! તમે વેળાસર તો આવ્યા જ નહિ ને ?”

અંધકારમાં અજાજીનું લજ્જિત મોં કોઈ જોઈ શક્યું નહિ. જવાબ વાળતાં એને આવડ્યું નહિ. એણે તારણ ફક્ત એક જ કર્યું, કે સુલતાનને સૌએ ભેગા મળીને ફોલી ખાધો છે.

સામે ઘોડવેલ પણ ઊભી હતી. એમાંથી એક તાજા જન્મેલ બાળકનો વિદાય-સૂર ઊઠતો હતો.

“અલાબેલી, હોંશિયાર રહેનાં. મિલેંગે, યકીન રખનાં.” એટલું બચ્ચાની માતાને સંબોધીને કહેતો જ મુઝફ્ફર પંથે પડ્યો. પાછળ વીસ સવારો ચાલ્યા. આગળ એકલ નાગડો વજીર ઘોડો હંકારીને કેડી બતાવતો ગયો.

કુંવર અજાજીએ ઘોડવેલને બીજી જ દિશામાં હંકારી. અને ગોંડળનો ખાલી કોઠો સંપૂર્ણ અંધકારમાં ઘુવડનું સ્વાધીન રાજસ્થાન બન્યો.