પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતાનું પાપ
159
 

થોડે દૂર ગયા પછી તુરત જ કુંવરે મુઝફ્ફરનાં બીબી પાસે બેઠેલી ચાકર બાઈને બહાર તેડાવીને પેલી જવાહિરની દાબડી સોંપી કહ્યું : “સુલતાન બીબીસાહેબાને આ આપવી ભૂલી ગયેલા તે તેમણે મારી સંગાથે દઈ મોકલી છે.”

ઘોડવેલમાં સૂતેલી એ મુસ્લિમ સ્ત્રી દંગ થઈ ગઈ. દાબડીની એને ખરી ખબર હતી. મુઝફ્ફરશાહે એને કહ્યું હતું. આટલી મોટી દોલત આ રાજા પાછી કરી આપે છે ? એને ઇતબાર બેઠો કે પોતે કોઈક સલામત સ્થાન પર જઈ રહી છે.

ગોંડળ-કોઠાથી નજીકમાં નજીકનું નગરનું ગામડું પાંચ-સાત દિવસનું નિવાસસ્થાન બન્યું. સુવાવડી સ્ત્રીને ઓછામાં ઓછો જરૂરી આરામ આપી દીધો. અને પછી ધીરી ધીરી મજલે નગર લઈ આવ્યા ત્યારે કુંવરને એકંદરે ગેરહાજર રહ્યાં બારેક દિવસ થઈ ગયા હતા. ને એ કાળના નગરમાં તો એકેએક દિનમાં ઐતિહાસિક ઊથલપાથલો થઈ જતી. પહેલેથી સંતલસ થઈ ચૂક્યા પ્રમાણે મુઝફ્ફરનાં બાલ-બચ્ચાંનો મુકામ વજીર-ઘરમાં તૈયાર હતો.

એક સંધ્યાનાં અંધારાં-અજવાળાં વચ્ચે ઘોડવેલ શહેરમાં પેસી. ગઈ. કુંવર તદ્દન ઊલટે જ દરવાજેથી શહેરમાં દાખલ થયા.


23
પિતાનું પાપ

જેસા વજીર પથારીવશ થયા હતા.

“કેમ એકાએક ?” કુંવરે જોવા જઈને પ્રશ્ન પૂછ્યો.

“ગઢપણ છે, બાપા ! કુદરતની કરામત છે.”

જેસા વજીરે લાંબી વાત ન છેડી.