કુંવર જ્યારે ફોજની કચેરીએ ગયા ત્યારે એને ઉલ્કાપાત થઈ ગયાના સમાચાર મળ્યા. મારમાર સવારીએ ખાનખાનાન આવતો હતો. ‘મુઝફ્ફરને તમે સંતાડ્યો છે, એનાં બાળબચ્ચાં સોંપી દ્યો, મુઝફ્ફરની સંતાવાની જગ્યા બતાવી દ્યો, નહિ તો નવાબ નવાનગરને રોળી નાખશે’ – એવો સંદેશો મળ્યો. જેસા વજીર સોળ હજાર સવાર અને વીસ હજાર પ્યાદાં લઈ બહાર નીકળ્યા. રાજકુટુંબે પણ કહેવરાવી દીધું કે જામરાજા સુખેથી લડે, અમે જૌહર કરવા તૈયાર જ બેઠા છીએ. બાપુ કહે, હું હમણાં જ ફોજમાં પહોંચું છું. પાછળથી એકાએક સંદેશો આવ્યો કે હવે લડાઈ બંધ થાય છે, વજીરને કહો કે ફોજને પાછી લઈને આવતા રહે. એકાએક લડાઈ અટકી પડવાનું કારણ માલૂમ પડ્યું. બાપુએ વજીરને લડાઈની તૈયારી માટે મોકલ્યા, ને બીજી બાજુ કલ્યાણરાવ અને રાવદુર્ગાને નાનેરા કુંવર સાથે નવાબ ખાનખાનાન પાસે રવાના કર્યા. પાછળથી કલ્યાણરાવે અને રાવદુર્ગાએ ઝડપી ખેપિયો મોકલીને મુગલ ફોજનો અગાઉ જીતી આણેલો હાથી પણ ખાનખાનાન પાસે રજૂ કરવા મગાવી લીધો. છત્રીસ હજાર નગરિયા જોદ્ધાઓ જ્યારે અંતરિયાળથી પાછા વળવાની આજ્ઞા પામીને શહેરમાં દાખલ થયા ત્યારે તેમના મોં પર વિભૂતિ નહોતી. એ વજીર તો ઊભી બજારે ઊંચું જોઈ શક્યા નહોતા. ત્યારથી એ બીમાર હતા. હાથી, નાનેરા કુંવર, કલ્યાણરાય ને રાવદુર્ગા હજુ પાછા ફર્યા નહોતાં. ખાનખાનાનનો મુકામ ત્યારે મોરબી નજીક હતો.
પૂરી કડીઓ મેળવવા માટે કુંવરે ભાણજી દલને તેડાવી પૂછ્યું. ભાણજી દલ જેસા વજીરથી બીજી પંક્તિના વજીર હતા. મુત્સદ્દી હતા. તેમણે ખબર આપ્યા કે કોણ જાણે કયા કારણે બાપુ સતા જામની છાતી જુદ્ધથી થડકી પડે છે. અગાઉ ધીંગાણાના કદી જ કાયર નહોતા તે પુરુષને નક્કી કાંઈક થઈ ગયું છે. બાપુએ નવાબ ખાનખાનાન સાથે વષટિયા મોકલ્યા છે. હાથી દંડમાં દઈ મેલ્યો છે. નાના કુંવરને નગરની સારી ચાલના હામી લેખે અમદાવાદ લઈ જવાના છે. મુઝફ્ફરને અમે