પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતાનું પાપ
161
 

 આશરો દેતા નથી ને દઈએ તો નવાબ ચાય તે સજા કરે એવી દીન વાણી લખી મોકલી છે. તે પછી એકાએક નવાબે ફોજના બે ભાગ પાડી નાખ્યા છે. એક ભાગે નગરના ગુજરાત બાજુના સીમાડા પર ઓડા બાંધ્યા છે. બીજી ફોજ ઉપલેટા થઈને બરડામાં ઊતરી છે.

“બરડામાં ?” કુંવર સ્તબ્ધ બન્યો : “શા માટે ?”

“સુલતાન બરડામાં ઊતરી ગયેલ છે તે માટે.”

“કોણે કહ્યું ? નવાબને કોણે એ ખબર પહોંચાડ્યા ? જાણકારો તો અમે ત્રણ જ હતા : બાપુ, હું ને વજીર. ત્રણ ઉપર ચોથો તો એક ફક્ત ઈશ્વર જ જાણભેદુ હતો. કોણે કર્યું આ કારસ્તાન ?”

ભાણજી દલ વધુ બોલી ન શક્યા. એણે ચહેરો ભોંયઢળતો રાખ્યો.

“મને ખબર છે,” કુંવરના બોલવામાં ઉશ્કેરાટ હતો : “કે મેં પોતે તો કોઈને નથી કહ્યું. મને ખબર છે, કે વજીરના પેટમાં તો ખંજર ફરે તો ય વાત ન નીકળે. પણ મને ખબર નથી કે... ઓહ ! ઓહ ! શરમ છે આ જીવતને કોને કહું ? ક્યાં જઈ કહું ? ભાણજી દલ, આપણો અંજામ હવે ઢૂકડો જ સમજવો. ને મુઝફ્ફરશાહ ઝલાય તો આપણે બાપુની પણ આજ્ઞાની વાટ જોવા નથી રોકાવું.”

“આપ નચિંત રહો. પતી ગયું છે.”

“શું પતી ગયું છે?”

“બાપુને રુદે રામ વસ્યા હતા. મુઝફ્ફરને તો એમણે ક્યારનો ગુજરાત બાજુ નીકળી જવા દીધો છે.”

“તો તો હું જઈને બાપુના પગમાં પડીશ. પણ બાપુના અંતરમાં આ શી મૂંઝવણ જાગી છે ? કેમ હિંમત હારી બેઠા છે ? નગરના જોદ્ધાઓની માનસિક અધોગતિની ખાઈ બાપુએ કેમ ખોદવા માંડી છે ? સારાય સોરઠ માથે નગરની આણ પાથરી દેવાની આવી તૈયારી બાપુ કેમ ચૂકી ગયા છે ? ટીપી નાખવાની સાચી વેળા બાપુએ કેમ ગુમાવી દીધી છે ?”

“મને એક વહેમ છે. બાપુના ડરનું કારણ ઊંડું છે.”