પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
સમરાંગણ
 

હાથમાં કંકાવટી હતી. કોણ જાણે કેમ પણ એ દરબારગઢમાંથી હેઠે ઊતરી ને એણે કુંવરને કપાળે ચાંદલો ચોડી વારણાં લીધાં. એની બેઉ આંખોમાં એકએક ટીપું આવી રહ્યું હતું. એ ફક્ત આટલું જ કહેતી હતી કે “ભાઈ ! પરણીને પછી સુખેથી પધારો. નીકર વંશનો વેલો ઊખડી જશે.”



24
જમાતનો મેળાપ

મુઝફ્ફરશાહને બરડાનાં ગુપ્ત કોતર બતાવી દઈને નાગ વજીર નગર તરફ વળ્યો, ત્યારે જુદા પડતા મુઝફ્ફરે એક જ ઉદ્‌ગાર કાઢ્યો :

“તમારી અમ્મા તમને મળી ગઈ, દોસ્ત ? મારી અમ્મા ગુજરાત મને પણ મળી ગઈ. પણ હવે તો જલદી જામનગર આવીશ, તમારી અમ્માના મોંમાંથી ‘બેટા’ ! એટલો બોલ સાંભળવાને માટે. કેમ કે ગુજરાત તો બાપડી મૂંગી છે. એના કલેજાના બોલ હું સાંભળી શકતો નથી. એક વાર કોઈકને મોંયેથી ‘બેટા’ શબ્દ સાંભળવો છે.”

એટલું કહી, જોશથી પંજામાં પંજો ભીંસી મુઝફ્ફર કોતરોમાં ઊતરી ગયો. વળતા દિવસના સૂર્યાસ્તે નાગ વજીર નગરને માર્ગે છેક વરતૂ નદીના વહેણમાં પોતાના ઘોડાને પાણી ઘેરી રહ્યો હતો.

ઘોડાની લગામ હાથમાં પરોવીને પોતે પાણી પીધું. પાણી પીને ઊભો થયો ત્યારે તેણે સૂર્યાસ્ત પછીનાં શરૂ થતાં અંધારામાં પોતાની સામે ચોમેરથી ચાર-પાંચ બંદૂકો મંડાતી જોઈ. એક ક્ષણનો થડકાટ અનુભવીને પછી પોતે ખામોશ રાખતો ઊભો રહ્યો. ન બંદૂકવાળા બોલતા હતા, કે ન બોલતો હતો નાગ. આ મૌન બે-ત્રણ ઘડી ટક્યું. પછી બંદૂકધારીઓમાંથી એકે કહ્યું : “ઊડા દેવેં ?”