પૃષ્ઠ:Samarangan.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
સમરાંગણ
 


“નૈ મા, ભૂખ લાગી છે. ધાવવું છે, મા, તું મને વઢ મા. મને ભૂખ લાગી છે.” છોકરો તોતડા બોલ બોલતોબોલતો માની પીઠ પર ધમાચકડી મચાવી રહ્યો.

“ભૂખું તે તું કેટલાક જલમની લઈને આવ્યો છો, ભા! ! હેં નાગડા?” બાઈ છોકરાની સામે જોયા વગર જ બોલતી હતી.

“આગલા જલમનો કોક અપવાસી જોગી હશે, હોં મા!” લૂગડાં મસળતી બાઈએ કહ્યું.

“હા, એટલે તો એનું નામ નાગડો પાડ્યું છે ના!”

“ભૂખ, ભૂખ, મા, ભૂખ !” બાળકને આ બે બાઈઓની વાતોમાં રસ નહોતો. એનું પેટ પોતાની પ્રશંસાથી ભરાતું નહોતું. એણે તો માની પીઠ ઝાલી ધણધણાવવા માંડી. બાઈના હાથ છીપર પર ટકી શક્યા નહિ.

“પણ સાંજ પડે છે, નાગડા ! મારે હજી ગાંસડી લૂગડાં બાકી છે. જો આંહીં માણસુંને સીમમાંથી વળવાની વેળા થાતી આવે છે. છોડ, માડી, હમણાં ધોતીધોતી કેમ કરી તને ધવરાવું!”

“ધોતીધોતી - નૈ, બસ, ધોતી ધોતી - મા, ધોતીધોતી ધવલાવ –” છોકરો બાથંબાથાં કરી રહ્યો.

“ઠીક, આ લે.” એમ કહીને માતાએ પોતાનું ઢીલું સ્તન ઊંચું લઈને પોતાના ખભા તરફ લંબાવ્યું. “લે બેટા ! તું તારું કામ કર, ને હું મારું કામ કરું.”

ખભા પર મોં ઢાળીને છોકરો પીઠ પાછળ ઊભોઊભો ધાવણ ધાવવા લાગ્યો, ને વગર અંતરાયે મા ધોતી રહી. છીપર પર કાપડું મસળતા એના ઝૂલતા દેહ પર બાળક પણ ઝૂલી રહ્યો. પછી તો બેમાંથી, એકેયને ઉતાવળ ન રહી. મા ધોવામાં મશગૂલ હતી. બાળક હીંચોળા ખાતોખાતો ધાવતો હતો ને ઝોલાં પણ ખાતો હતો.

“આ તો ભારી કરામત, મા !” આધેડ બાઈને માન-શબ્દે સંબોધતી એ બીજી સ્ત્રી એની નોકરિયાત લાગતી હતી.