પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
સમરાંગણ
 


માણસો હોય તેને ખબર દેવા.”

“ઠીક, આ બાજુ જેટલા નીકળે તેટલાને આલેચને ડુંગરે જ રવાના કરીશ, દોસ્ત ?”

“કરું. હું પેટને ખાતર કહો તે કરું.”

“પેટમાં ઠંડક કરજે, આ લે.”

અશરફીઓના પાંચ સિક્કા એના હાથમાં સેરવીને પાંચ-દસ ઘોડેસવારો આગળ નીકળી ગયા. નાગને એટલી જ અબળખા રહી ગઈ કે અંધારે એની ખુશાલી જોનાર કોઈ હતું નહિ. એણે ઘોડે ચડીને માર્ગ મરડી લીધો. એ જૂઠું બોલ્યો હતો. મુઝફ્ફરને શોધવા નીકળેલા એ શત્રુઓ હતા, એ ખાતરી એને થઈ ચૂકી હતી. એણે પાદશાહી જાસૂસોને ટલ્લે ચડાવી દીધા. જીવનમાં સૌ પહેલી ચતુરાઈ સાબિત કર્યાની એ રાત્રિએ એને પિતાનો ટોંણો યાદ આવ્યો. માથું જોઈને વજીરે એને બેવકૂફ કહ્યો હતો. કાં તો બાપને જ મસ્તક-વિદ્યા ઊઠાં સુધી આવડતી હતી, અથવા તો પછી આજ રાતે એકાએક હુશિયારીની બારી આ ભેજામાં ઊઘડી ગઈ હતી ! પોતાની આ ચાતુરી ઉપર ખરેખરી શાબાશી કઈ ? પિતા તરફથી મળે તે ? અજાજી આપે તે ? ના, ના, બેમાંની કોઈ નહિ. એ શાબાશીનો એક જ બોલ જો તે દિવસવાળી ભૂચરા રજપૂતની છોકરી આપે તો જ પાકી પરીક્ષા આપી કહેવાય. પણ એ છોકરીને પૂછવા કાંઈ થોડું જ જવાય છે ? મોં તોડી લ્યે તો એની સાથે બાઝવા બેસાય નહિ, તેમ હવે તો એને અવળા હાથની એક અડબોત માર્યા વગર હાલ્યા પણ આવી શકાય નહિ. ખેર, જાવા દ્યોને વાત. પારકે પાદર ધ્રોળમાં જઈને કાંઈ કોકની છોકરીને લાપોટ મારી અવાય છે ? ક્યાંક સામી ખાઈ બેસીએ ! ઉપરાંત હડ્યમાં નાખે એ લટકામાં !

ડુંગરાળ મુલકમાંથી ભય પામતો પામતો બહાર નીકળીને સપાટ ભોં ઉપર નાગ વજીર નીકળી આવ્યો ત્યારે એણે ઘડીક સ્મશાનની કલ્પના કરાવતી તો ઘડીભર લશ્કરની છાવણીનો ભય દેખાડતી ઝાઝી બધી ધૂણીઓ દૂર ચેતાયેલી જોઈ. નજીક આવ્યો ત્યારે કેટલાંક કદાવર