પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
170
સમરાંગણ
 

“વાસુકિ.”

“કૌન? બેટા વાસુકિ? આંહીં ક્યાંથી? મા ક્યા મિલ ગઈ તુઝકો, બચ્ચા ? આ, નજીક આ, બેટા !”

ગુરુદેવે એને બાથમાં લીધો.

“વાસુકિ ! ક્યા વાસુકિ ! યહાં કહાંસે આયા વાસુકિ ? દેખો તો, ભાઈ, વાસુકિ કૈસા મર્દ દિસતા હૈ ! જટાપટા ઉતાર કે દેખો કૈસી મરોડદાર કેશાવલી રખી હૈ ! બડા બાહોશ લડકા !”


25
મા મળી

નાગને ‘વાસુકિ’ નામે ઓળખનારી આ એ જ જમાત હતી કે જેણે એને ઉંમરલાયક કર્યા પછી થોડા વખત પર નવાનગરને સીમાડે છોડ્યો હતો. દ્વારિકા, હીંગળાજ, સુદામાપુરી વગેરે તીર્થાટને ફરીને જમાત પાછી વળતી હતી.

“તેરી માતાજી અબ તો મિલ ગઈ ને, વાસુકિ ! તેરી મૂછડિયાંને અબ તો તીન તીન વળી ઘાલ્યા, વાહ રે વાસુકિ !”

એમ કહેતાં કહેતાં ગુરુ નાગ વજીરને નિહાળતા હતા. મશાલો પર વિશેષ તેલની ધારો થતી હતી. ઝળેળી ઊઠેલી મશાલો વચ્ચે નમ્ર, નીરવ, સ્મિતભર્યું મોં સાચવીને ઊભેલો નાગ વજીર આખા પડાવના આકર્ષણનું પાત્ર બની ગયો, જોગીઓનું જૂથ બંધાયું. પ્રત્યેકને પિછાનતો પિછાનતો નાગ બે હાથ જોડી વંદન કરતો હતો.

“તેરી મૈયા મેરે પર ખિજાઈ તો નથી ના, વાસુકિ ? અબ તો હમકો કાલી રોટી કા ભોજન કરાવસેને તેરી મા ? હાં ?”

માલપુડાને આ જોગી લોકો કાલી રોટી કહે છે.