પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મા મળી
175
 


“શું કરે છે ? યાદ કરે છે ?”

“રોષભર્યા અને અતિદુઃખી દેખાય છે.” એમ કહીને એણે માને પહેલી રાતનો પ્રસંગ સંભળાવ્યો. એ પ્રસંગમાં તો પિતાનું માતાજીના નામ પર ઝનૂન જ વરસ્યું હતું. માને માથે જાણે પિતાનું રોમેરોમ સળગતું હતું. જેસા વજીરના કરડા બોલની પાછળ અંતરમાં ટપકતી કરુણ પ્રેમોર્મિ નાગથી નહોતી સમજાઈ.

“એ માતૃદ્વેષી પિતાને તો...” નાગે દાંત ભીંસીને વાક્ય અધૂરું મૂક્યું.

“ખમા ! ખમા બેટા ! ખબરદાર જો કાંઈ બોલાય તો.” માએ નાગને વાર્યો.

“માનું દૂધ દેખાડી દઈશ : એક દિવસ : આજે તો શું !”

નાગે આંખો બીડી દીધી.

એ વખતે એક યુવતી બહારથી નાહી-ધોઈને રાવટીમાં આવી. નાગે એને ક્યાંક દીઠી હોય તેવી મુખમુદ્રા કરી પોતે એની સામે જોઈ રહ્યો.

યુવતીએ અંદર આવીને એક ખૂણામાં આસન વાળ્યું. માતાના તેમ જ યુવતીના લેબાસ સફેદ ધોતલીના પહેરેલા સાળુના જ હતા. એટલે પોશાક પરથી પિછાન પડી શકતી નહોતી. સરાણના પટા તાણતાં તાણતાં ઝુલાવેલાં બાંયોનાં ફૂમકાં અને કેશના બેઉ બાજુના મીંડલાને છેડે ઝળૂંબતી ફૂમતીઓ આ દેહ પર કોઈ દિન ચડી હશે એવું માનવામાં આવે નહિ. તીર્થાટનો કરી કરીને નારી-દેહ દુર્બળ, ધર્મનિષ્ઠ અને સંસ્કારશીલ બન્યો જણાતો હતો. એ કશું બોલતી નહોતી. એના મોં પર ભાવો બદલાતા નહોતા. ઓચિંતી જાણે એ પથ્થર બની ગઈ હતી. ‘એક દુખિયારી છે.’ એટલું જ માએ કહ્યું.

વાસુકિ અથવા નાગ કોનો બાળક છે તે ગુરુએ આજ સુધી પૂછવાની કે તપાસવાની ખેવના કરી નહોતી. માનેલું કે હશે કોઈક રાંડીરાંડનો, કોઈક ગરીબ બાળક.