પૃષ્ઠ:Samarangan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘જોરારનો’
5
 


“માનું ધાવણ બીજા શા ખપનું છે, બાઈ ? ભલેને ધાવતો. મેં તો આને ઘડૂલે ઘડૂલે ઘટકાવવા દીધેલ છે, એની કાંઈ છાશ થોડી ફેરવવાની છે ? હોય તેટલું હસીને પાઈ દઈએ. સાચો ધાવનારો હશે તો આગળ ઉપર લેખે લગાડશે. પૂરો ધરવ નહિ પામ્યો હોય તો આગળ જાતાં એબ લગાડશે. ગાય-ભેંસનાં દૂધ-ગોરસ સાચો મામલો મચે ત્યારે થોડાં જ ઊગી સરવાનાં છે ? તે ટાણે તો જવાબ દેશે માનું ધાવણ. મરને ધાવી લેતો. તે ઘડીએ તો ધવરાવનારીના રંગ રે’શે ને !”

નદીનો આરો પોતે અબોલ છે, પણ મૂંગાં નદી-જળ માનવીઓને બોલતાં કરે છે. સંસારના લાજમલાજાએ સીવી લીધેલી નારીની જબાન પરથી નદીનો કાંઠો ટેભા તોડે છે. બાળકની માતા અંતરના અતલ ઊંડાણમાંથી બોલતી હતી. પાછી વળીને ઘેર પહોંચશે ત્યારે વાચાને જાણે તાળાં વસાઈ જવાનાં છે, એવી બીકે એણે અંતરના આગળા છૂટા મેલ્યા.

વાદી જેમ મોરલીને ઝાલી અવનવા સૂર ઘૂંટતો હોય, તેમ પીઠ પર ઢળેલો બાળક માનું સ્તન બે હાથે પકડી ધાવણ ઘટકાવતો હતો. એના મોંમાંથી ઘૂઘવાટ ઊઠતા હતા. માતાનું સ્તન એના બે હાથમાં મોરલી-ઘાટનું બન્યું હતું.

મસળીમસળીને નાની સ્ત્રી લૂગડું ફેંકતી હતી. ફેંકાતું લૂગડું ઝીલીઝીલીને બાળકની જનેતા છીપર પર ચોળતી હતી. કાંડાં સાથે ખણખણાટ કરતો ચૂડો ઊંચે ચડાવ્યા છતાં વારંવાર લસરી નીચે આવતો હતો ને કાંડાં પર નાચતો હતો.

“હેં મા !” નાની સ્ત્રી વાત કઢાવતી હતી : “આ દરબારની રાણીયુંનાં ધાવણ કેવાં ધૂળમાં રોળાતાં હશે !”

“એના ય દીકરા પીવે છે ને.”

“દીકરા તો પીવે છે, પણ દીકરી પીવા આવે ત્યારે ? દૂધમાં ઝબોળીઝબોળીને જીવતી મારે, પછી એની છાતીનાં સરોવર સડીસડીને બેઠાં થતાં હશે ને ?”