કોપે પ્રજ્વળતો હતો, કોણ જાણે ફરીથી કેવુંય અપમાન કરશે, ને આ યુદ્ધના મામલા સળગે છે તેમાં હું માને ક્યાં લઈ જઈ ઊભી રાખીશ ?
દીકરો મા સામે તાકતો ઊભો, એ જવાબ ન આપી શક્યો.
“હું ને તું બેય કયે મોઢે જઈ તારા બાપ સામે ઊભાં રે’શું ? શું કહીને ઓળખાણ દેશું ?”
નાગે ઘોડાના પેંગડામાં પરોવેલો એક પગ પાછો કાઢી લીધો. માએ ફરી કહ્યું : “એ કહેશે કે હું તમને બેયને ઓળખતો નથી, તો શું જવાબ દેશું ?”
નાગ ચુપ રહી વિચારે ચડ્યો.
“એ કહેશે કે અહીંથી ચાલ્યાં જાવ, તો શું કરશું ?”
નાગ જવાબ ન આપી શક્યો.
“દીકરા.” માએ કહ્યું : “મને જમાત ભેળી જ જાવા દે. હું તીરથ નાહી આવું. તારા વાવડ મોકલ્યા કરજે. તારા બાપ જે દી ઓળખીને કાંડું ઝાલે તે દી મને ખબર કરજે, હું વાજોવાજ આવીશ. આજ આવીને તારી અપકીર્તિ નહિ કરાવું.”
જમાત આંહીંથી ક્યાં જવાની છે એ પૂછપરછ નાગે જઈને ગુરુને કરી. ગુરુદેવે કહ્યું : “ધ્રોળ જઈને ચાતુર્માસ કરવાની ઇચ્છા છે.”
“તો મા ભલે આપની સાથે રહી. હું ત્યાં આવીશ.”
સાધુઓ પાસેથી ઝૂંટવી લીધેલી મૈયાને પાછી કરીને ફરી પાછો માતૃહીન બનેલો નાગ નગરના પંથને કાપતો હતો. ત્યારે ઘોડો જાણે, બેવડો બોજો અનુભવી રહ્યો હતો. અસવારનું હૃદય પહાડોના પહાડોથી ભરાઈ ગયું હતું. આંખો ટપકુંટપકું થતી હતી તેને પોતે મોટે અવાજે આ શબ્દો બોલીને જાણે ધમકાવતો હતો : “હેઠ્ય, ફોશી આંખડિયું ! માને દીઠી તેની ઊલટાની ગુનેગારી ! ખાઈને ખોદો છો ? માયલા રુદાની તાકાત તોડવા માટે જ શું ભગવાને તમને બહાર બેસાડી છે ? તમને તો જુદ્ધના મેદાનમાં ગીધડાં-કાગડાં ઠોલી ખાય એ જ લાગની છો ! તમે શીદ ઠાલાં ચીંથરાં ફાડો છો ? હું તમારા લાડ જરાય નહિ ચલાવી લઉં.