વચ્ચે ચાલી જતી સડકને ડાબે કાંઠે એક ઊંચો ટીંબો છે. એને અગ્નિખૂણે ધ્રોળ નામનું ગામ છે. સામે નીચવાણમાં ગોળ ફરતાં હરિપુર, ખારવા, સોવલ, વાંકિયા, નથુવલા, ગરેડિયા અને માવાપર નામનાં ગામડાં છે. ‘ભૂચર મોરી’ના ટીંબાને જમણે હાથે બે ખેતરવા છેટે એક સેંજળ ઝરણું હાલ્યું જાય છે. આજે એ નદી-કાંઠાના નાળિયેરી અને આંબાનાં હરિયાળાં ઝાડવાંનાં જૂથ વચ્ચે ‘જેસલ પીર’ નામે ઓળખાતી સંત-સમાધ છે. ભૂચર મોરીના ટીંબાને ત્રણ પડખે પાંચ-પાંચ ગાઉનાં પલ્લામાં હજારો પ્રેતની વાસના-ઝાળોનો અગ્નિકુંડ હોય તેવું વેરાન છે. વેરાન અને લીલો કંજાર નદીતટ, નિર્જલતા અને નિત્યસજીવન નવાણ : મરુભોમ અને વનરાઈ : મોત અને જીવન : સ્મશાન અને સર્જનસ્થાન : આટલાં બધાં પડખોપડખ ? પૃથ્વીના હૈયા ઉપર પોષણ અને ભક્ષણની લીલા જોડાજોડ રમે છે. ભૂચર મોરી ! માનવાત્માના મૂર્તિમાન આવિષ્કાર ! રુધિર અને અમૃતનાં ઉત્પત્તિસ્થાન ! કારમાં ક્રોધની ભઠ્ઠી અને સુંવાળા પ્રેમનું જળાશય, બન્ને તારે અંતરે સંગાથે ખૂલે છે.
સવાત્રણસો વર્ષ પૂર્વેના વૈશાખની એક બપોર વેળાએ આ ટીંબા પાસે ચાલ્યા જતા એ ઝરણાને કાંઠે પોતાનું ગૌધણ અને ભેંસોનું ખાડુ ઘોળીને એક માલધારી સીમમાંથી પાછો ફર્યો, પશુઓને પાણી પાયાં અને પોતે હાથ-મોં ધોઈને દાઢીનાં પાણી લૂછતો કિનારે બેઠો.
એનું નામ ભૂચર મોરી. મૂળ ઓખામંડળમાંથી આવીને નવાનગર થઈ આંહીં આવેલો એ રજપૂત આપણને અજાણ્યો નથી. આ પડતર ટીંબાને સજીવન કરનાર એ પરદેશી માલધારી અને આ ટીંબો, બેઉ એક વરસમાં તો એટલાં એકરૂપ બની ગયાં હતાં કે માનવીઓએ આ સ્થાનનું નામ પાડી દીધું હતું ‘ભૂચર મોરીનો ટીંબો’. પછી તો ટીંબો અને ટીંબાવાસી માનવ વચ્ચેના જડ-ચેતન ભેદને, સ્થાવર-જંગમના ભેદને, તમામ ભેદને લોકો એટલી હદ સુધી ભૂલી ગયાં, કે ટીંબો ફક્ત ‘ભૂચર મોરી’ નામે જ ઓળખાતો થયો. માનવી અને વેરાન બન્ને એક જ શરીરનાં બે અરધિયાં બન્યાં; નહિ નહિ, માનવી જાણે કે પ્રાણ હતો