પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
182
સમરાંગણ
 

 “વગડો છે, ધારોડ મુલક છે, સેંકડો ઢોરને ચારો કરવાનો લીલો નદી-આરો છે, ત્યાં ગીધ-ગરજાં જેવાં પંખી ન રહે ? તું તે આવી બીકણ કેદુની થઈ ગઈ ?”

“હું બીતી નથી. પણ એ પંખીને દેખીને આપણા ધણની ગાયો-ભેંસો ભાંભરડા દેવા માંડે છે. ઊઠીઊઠીને ભાગવા માંડે છે. એ પંખી ગીધ-ગરજાં જેવાં નથી હોતાં.”

“કેવાં હોય છે ? તારા જેવાં ?”

“કેટલાકનાં મોઢાં માણસ જેવાં, કેટલાકનાં બકરી જેવાં, બિલાડાં, કૂતરાં ને સાવઝ જેવાં, મોટા દાંત ને લાંબી ચાંચોવાળાં, વસમી, ભાષાવાળાં, હાથીને ઝાલીને આભ ઊડે તેવાં...”

“અરે રાખ રાખ, ગાંડી !” બાપ દીકરીને વારવા લાગ્યો. પણ રાજુલ તો સ્વપ્ન જોતી હોય તેમ બોલતી જ રહી : “કોઈ કાળાં, કોઈ પીળાં, કોઈ રાતાં, કોઈ પચરંગી, કોઈ નીલાં, કોઈ ચૂંચાં...”

“બસ કરી જા, ચસ્કેલ !”

“વિકરાળ રૂપ, વિકરાળ નખ, વિકરાળ દાંત, મોટી આંખો, મોટી પાંખો, નાનાં શરીર, નાના પગ અને – અને – અને બાપુ !..” એમ બોલતાં બોલતાં રાજુલની આંખોમાં પાણી આવી ગયાં.

“અને શું ?”

એક ઘોડાનો અસવાર પૂરાં હથિયાર-પડિયારે ધાર માથે ઊભો હોય છે, તેને આ પંખીઓ વીંટળાઈ વળે છે. અસવાર પોતાનાં અંગ છેદીછેદીને પંખીઓને નીરતો મને સાદ પાડે છે, કે રાજુલ, મને પાણી પા ! રાજુલ, મને છેલ્લી વારનું પાણી પિવાડ.”

“તું ઓળખછ અસવારને ?”

રાજુલે માથું હલાવ્યું.

“કોણ ?”

“નાગનીને નદીકાંઠે પોર જેણે મને હાથીના હલ્લામાંથી બચાવી લીધેલી એ જુવાન.”