પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘ભૂચર મોરી’
185
 

 જસાજી અને રાયસંગજી, મામો ને ભાણેજ નગારાં બજાવવાની ધૂડ જેવી વાતની જિદ્દમાં પોતાનાં તો ઠીક પણ પોતાના હજારો રાજપૂતોનાં માથાં વધેરાવી ગયા. મરતો મરતો જાડેજો જસોજી પોતાના વેરની વસૂલાતનું બીજ સાહેબજી કચ્છવાળાના મનમાં વાવતો ગયો, તેને પરિણામે સાહેબજીએ કચ્છના સુભટો અને રાયસંગજીએ હળવદના શૂરવીર સિપાઈઓની જાદવાસ્થળી મચાવી મૂકી, તે પણ આંહીં ધ્રોળને પાદર. એ બન્ને બેવકૂફ રક્તપાતોનાં નિમિત્તે અમારાં બાવાઓનાં જ નગારાં બન્યાં છે. મારે આ ભૂમિનું કોપ-શમન કરવું છે. યજ્ઞ કરવામાં મને સૌ સોરઠિયાઓ સહાય આપો.

એ અરસામાં જ એક દિવસ ભૂચરાએ દીકરીને રોજ દેખાતા ભયંકર આગમની વાત ધ્રુજતે હૈયે જઈ જેસા વજીરની પાસે ખોલી નાખી. જેસા વજીરે ભૂચરને અને રાજુલબાઈને ભેળાં લઈ જોગીની પાસે એકાંત-ચર્ચા કરી. રાજુલને દીઠામાં આવેલાં આ ધાર પરનાં રાત્રિનાં દૃશ્યો વર્ણવી દેખાડ્યાં.

સાંભળી લઈને સાધુએ નિશ્વાસ નાખ્યો. “આ ધરતી હજુય તરસી છે. એનો ભરખ પૂરો થયો નથી. હજુ એને ખપ્પર ભરવું છે.” યોગીએ પ્રશ્ન મૂકી જોયા. રાત્રિની જ્યોતિર્માલા ઉકેલી. પાણીના વહેણ અને વાયુના પંથ તપાસ્યા અને એ તમામ વિદ્યાના આંકડા મૂકીને પછી એણે રાજદ્વારી સંજોગો જેસા વજીરની સાથે એકાંતે બેસી વિગતવાર ચર્ચ્યા. મુઝફ્ફરશાહનાં બાળબચ્ચાં નગરને આશરે હતાં : છેલ્લા સમાચાર ફરી મુઝફ્ફરની અમદાવાદ પરની ચડાઈના અને એ ચડાઈ નિષ્ફળ ગયાના હતા. ફરીથી મુઝફ્ફર સોરઠનો આશરો લેવા આવ્યા વગર રહેવાનો નથી : ને અકબર મુઝફ્ફરને કટકે ય મૂકવાનો નથી. આંહીં ફરી એક વાર સમર ખેલાશે. અને, જેસા વજીર ! આ કન્યા જે અસવારને રાત્રિકાળે પાણી પાય છે તે આખાય સમરાંગણનો સર્વોપરિ ‘સુરાપરો’ બનશે.

“મહારાજ,” જેસા વજીરે કહ્યું : “આપને જે અગમનિગમની