પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
188
સમરાંગણ
 

 “સુલેહનો.”

“સુલેહ  ? દફેદાર, આમાં ક્યાં આવી સુલેહની વાત ? મુઝફ્ફરશા આપણે આશરે આવે છે, તેને સામા ચાલીને ના પાડવાની આ વાતને સુલેહ કહેનારો મારી સામે ઊભનાર જુવાન સિપાઈગીરી કરે છે ? કે...”

“તાબેદારનો અભિપ્રાય સેનાધિપતિ નથી પૂછતા, માત્ર શું બન્યું તેની માહેતી પૂછે છે.”

જેસા વજીરને ફોજની સાઠ વર્ષની કારકિર્દીમાં આવો જવાબ દેનાર આ સૌ પહેલો માણસ મળ્યો. એના પ્રત્યુત્તરમાંથી રોષ કાઢવાની જે થોડી ઘડીની મગજમારી જેસા વજીરના ભેજામાં ચાલી રહી હતી તેની બાતમી વજીરનાં લમણાં તેમ જ લલાટ પરની રગોના સળવળાટ પરથી મળતી હતી. જુવાનના જવાબમાંથી દોષપાત્ર એવો એક અક્ષર પણ ન જડવાથી થોડી વારે વજીરે પ્રશ્ન કર્યો : “કુંવર શું કહે છે ?”

“તાબેદારે પૂછ્યું નથી.'

“પૂછ્યું નથી એ તો સમજ્યા, પણ બાતમી રાખો છો કે નહિ ?”

“કુંવર વિષેની બાતમી રાખવાનો તાબેદારને હુકમ નથી. હવેથી હુકમ હશે તો તેમ થઈ શકશે.”

“સિપાઈગીરી તો સમજો છો ને ?”

“મહેનત કરું છું.”

“જુઓ, હવે શાંતિથી સાંભળો, દફેદાર.” વજીરે ટાઢા પડીને બિનઅમલદારી ઢબે વાત આરંભી. એનો ચહેરો રાંક, ગરજુડો, લાચાર બન્યો. “જો કુંવર પણ ઢીલા પડ્યા હોય તો મારે એક કામ કરવું છે. મારે કાશીવાસ લેવો છે. દફેદાર, હું નામોશીમાં નહિ જીવી શકું. હું મસાણકાંઠે બેઠો છું. ને – ને – હું તો, દફેદાર, સ્વજનહીન છું. મારે ઘર નથી, બાર નથી.”

“તાબેદાર આપની દયા ખાવાને લાયક આદમી નથી, બાકી કુંવર તો મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંની ચોકી કરતા આપની ડેલીએ જ બેસી રહે છે. રાજ-મંત્રણામાં હાજરી આપતા નથી. એટલું જ હું જાણું છું.”