પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
196
સમરાંગણ
 

 વાર મારે કિનારે પોગાડી દેજે ને, પછી તો બહારવટિયો માના પેટમાં જ સમજવો.”

“બસ બસ, રાવજી !” સતાજીએ હર્ષ બતાવ્યો : “હવે મારે બીજા કોઈની સખાતનું કામ નથી.”

“સોરઠને રજવાડે રજવાડે ઘૂમવા જાઉં. ગોહિલો, ઝાલાઓ અને જેઠવાઓને સખાતે લાવું.” જેસા વજીરે નમેલી છાતી ટટ્ટાર કરી.

“ઝાલાઓ ? ઝાલાનું તો નામ જ લેશો મા.” સતા જામે ઘસીભૂંસીને ના કહી : “હજી ત્રીસ જ સાલનું તાજું વેર કેમ વિસારી બેસો છો, વજીર ? જસાજી કાકાનો રાયસંગજીએ જાન લીધો.”

“ને મારા સાહેબજીનું લોહી છંટાણું.” રા’ ભારો બોલ્યા.

“એ રાયસંગ તો પાછો બાદશાહનો ચાકર. ને એનું સનાન-સૂતક કર્યા પછી, એના નામની ચૂડિયું ફોડી નાખ્યા પછી, એ પાછો જીવતો આવતે એની પરમાર રાણીએ એનો ઘરસંસાર માંડ્યો ! કેટલું કલંકિત કુળ ! છોડો વાત. જાડેજો જ એકે હજારાં છે, જેસા વજીર ! કાલ સવારે સોરઠનો છત્રપતિ જાડેજો જાણજો.”

“હવે બાકી રિયા બે જણા : એક લોમો ખુમાણ ને બીજા દૌલતખાન ગોરી. એનું શું કરવું છે ?” જેસા વજીરે પૂછ્યું.

કોઈકે જાણ કરી, કે એ બેઉ ક્યારના આવેલ છે અને તેડાની જ વાટ જોતા બેઠા છે.

“જોયું, વજીર ?” સતા જામે કહ્યું : “તમને વિશ્વાસ નો’તો, પણ આવ્યા વિના રિયા ? જીવવું તો સૌને હોય ને ?”

વજીરે ઊંચે ન જોયું. ભારાજી એટલું બોલ્યા : “જીત મેળવ્યા પછીની સ્થિતિ એ બેયની સાથે અત્યારથી જ નક્કી કરજો, હોં જામ રાજા ! કારણ કે પાછળથી કજિયો નહિ સારો.”

“અરે, એ બચાડા તો આપણે જિવાડીએ તેમ જ જીવનારા છે.”

લોમા ખુમાણ અને દૌલતખાન આવીને સૌને મળ્યા. બેઉએ સતાજીને પગે હાથ નાખ્યા. લોમા ખુમાણે વાત ચાલુ કરી : “અમારા