પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંત્રણા
197
 

 બેયના તો શ્વાસ જ ઊડી ગયેલા. બદલાવકા ઘોડા દોડાવતા ટાણાસર પોગ્યા છીએ, મા આશાપરાને પ્રતાપે.”

“કેમ શ્વાસ ઊડી ગયા’તા ?”

“સાંભળીને, કે જામ રાજા નમી પડવાના મનસૂબા ઘડે છે. સાંભળ્યું ત્યારથી કોળિયો ગળા હેઠ નથી ઊતર્યો. દૌલતખાન જમાદાર રાતોરાત ઉજાગરા ખેંચતા ખેરડી આવ્યા. ધા નાખી કે જો જામ નમે તો જગતમાં હાલી ન શકાય, જામ નમે તો અકબરશા સોરઠની તસુ ધરતી ય ન રે’વા દિયે. જામ નમ્યા એટલે પાદશાની તરવાર હેઠ આખી નવસોરઠની ગર્દન નમી જાણવી. જામ જો વિચાર ન ફેરવે તો હું તો ઘેરે કહીને નીકળ્યો છું કે હવે વાટ જોશો મા. આશાપુરા માને મંદિરે જઈને તરવાર પેટ નાખવી’તી. આજ રાજસ્થાનમાં જેવો રાણો પ્રતાપ, તેવો નવસોરઠમાં મારો નગરિયો જામ. હિન્દુવટના રાખણહાર જામ જે દી નમશે ને, તે દી નવસોરઠમાં એકેય ઠાકર-મંદર ઊભું નહિ રિયે. તે દી આપણી તો ઠીક, પણ સોરઠિયાણીયુંની શી દશા થાશે, કલ્પો તો ખરા, રાજ ! આજ જો લેખે નહિ લાગી જાયે તો પછી ક્યારે ?”

લોમા ખુમાણની ચેષ્ટાઓ, બોલવાની છટા અને હાથ-મોંના હાવભાવ સૌનાં દિલને હલાવનારાં હતાં.

“વચમાં વિચાર મોળો પડેલો એ ખરી વાત, લોમા ખુમાણ.”

સતાજીએ પોતાની મહત્તાને છાજે તેવી મુરબ્બી ઢબે જવાબ દીધો : “એનું કારણ, કાંઈક તો તમે રિસાણા’તા એ ય ખરું. કાઠીઓની સખાત વગરનો જામ તો પીંછડાં વગરનો મોર વદે.”

“હું રિસાયેલ ? એવી ધૂળ જેવી વાતમાં ? પૂછોપૂછો આપના વજીરને. અધરાતે હું શું કહીને નીકળ્યો’તો, પૂછો.”

“ને જનાબ દૌલતખાનજીના પણ હમણાં તો કાંઈ ખરખબર નો’તા, એમને અમે પાદશા સાથે વગર ફોગટની અદાવત કરાવવા નો’તા માગતા.”

“અમારું પારખું તો, બાપ, આજ આટલે વર્ષેય પડ્યું નહિ, એ