પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
203
માતાના આશીર્વાદ
 


નહોતો. ધ્રોળને પાદર રાત પડી હતી. એ વખતે બે જણાં ભૂચર મોરી રજપૂતને ખોરડેથી બહાર નીકળ્યાં.

નાગ આગળ ચાલતો હતો. પાછળ રાજુલ હતી. બેઉ અબોલ હતાં. બેઉએ આજે કહેવાતી ‘ભૂચર મોરી’વાળી ધારને વળોટીને થોડે છેટે એક ઝૂંપડી ફરતા વાડાને ઝાંપે પગ થંભાવ્યા. નાગે પાછા ફરીને રાજુલ સામે નિહાળ્યું. વીજળીના એક સબકારાએ એ મોંની રેખાએ રેખા પ્રકટ કરી.

“હજી વિચાર કરવાનો વખત છે, રાજુલ.” નાગે કહ્યું : “એક મહિનો વાટ જોઈ જાને, શો ભરોસો છે ?”

“આ બધું ડહાપણ તે દી રાતે મને ઘોડા માથે ઉપાડી બથમાં ભીંસી ને મારા ગાલ અભડાવ્યા ત્યારે ક્યાં ગિયું’તું ?”

એમ બોલીને રાજુલે પગ પાસે ગારાળા પાણીનું ખાબોચિયું ભરેલું હતું તેમાં છબછબિયાં બોલાવ્યાં. નાગ આખે શરીરે કાદવિયા પાણીથી છંટકોરાયો.

“આ શું કરછ ?”

“ફૂલદડે રમું છું.”

“પરણ્યા પહેલાં ? અવળચંડી ?”

“તો મને ખીજવો છો શીદને ? ઠેઠ આંહીં સુધી લાવીને પછી ફરીથી વિચાર કરવાનું કહો છો ? લાજતા નથી ?”

“તારાં બલોયાં સામે જોઈને કહેવું પડે છે. ચૂડો ભાંગવાની તૈયારી છે ને ?”

“પહેરી જાણતું હશે એને ભાંગવાનીય ત્રેવડ હશે. હાલો છો અંદર, કે હાક મારીને ફજેત કરું ?”

વીજળીના ઉપરાઉપરી થતા સળાવા બેઉ કદાવર અને સાગના સોટા સરીખાં જુવાનને માથે જાણે કે હીરાકણીઓ મઢેલી ઝૂલાડીઓ લપેટતા હતા.

“રાજુલ !” વરસી રહીને પછી નીતરતા મેઘમાં ઝીણી ઝરમરે